ચંદુલાલ શાહનું જીવન જ એક બોલિવૂડની મસાલેદાર ફિલ્મ જેવું હતું. કરોડપતિમાંથી રોડપતિ બની જનારા ચંદુલાલ શાહનો જન્મ 13-04-1898માં જામનગર ખાતે થયો હતો. અકસ્માતે જ ફિલ્મી દુનિયામાં આવી જનારા ચંદુલાલ હિંદી ફિલ્મોના નિર્માતા નિર્દેશક અને લેખક હતા. એમણે પહેલી જ ફિલ્મ, ટાઇપિસ્ટ ગર્લ 17 દિવસોમાં સુલોચના, ગોહરબાનુને લઇ બનાવી હતી, જે સુપરહિટ રહી. કોહીનૂર સ્ટુડિયો માટે એમણે બનાવેલી બીજી પાંચ ફિલ્મમાંથી ગુણસુંદરી બ્લોકબસ્ટર સાબિત થઇ. 1929માં એમણે રણજિત સ્ટુડિયોની સ્થાપના કરી, જેમાં 1932 માં સામાજીક વિષયો પર આધારિત 39 ફિલ્મો બની. મોતીલાલ, સાયગલ જેવા એ સમયના મોંઘા કલાકારો સાથે કુલ 300 નો સ્ટાફ ધરાવવાને કારણે તેઓ સરદાર ચંદુલાલ શાહ કહેવાયા. વર્ષે સરેરાશ 06 ફિલ્મ બનાવવા તેમણે રણજિત સ્ટુડિયોનું નામ રણજિત મૂવીટોન કર્યું હતું. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના તે પહેલા પ્રમુખ હતા. બેરિસ્ટરની બૈરી, ઠોકર, વિમલા, વિશ્વમોહિની, પાગલ, સંત તુલસીદાસ, ફૂટપાથ, હમલોગ, જોગન તેમની સફળ ફિલ્મો હતી. સટ્ટામાં અઢળક પૈસા કમાઇ, ફિલ્મો બનાવનાર ચંદુલાલ ધોડાની રેસમાં કંગાળ થયા હતા. તેમનું નિધન 25-11-1975ના રોજ થયું હતું.