કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે જામનગરની કોવિડ હોસ્પિટલમાં તાકિદે પ00 બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં હાલની 1200 બેડની ક્ષમતા વધારીને 1700 બેડ સુધી લઇ જવા માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે યોજાયેલી કોવિડ પરિસ્થિતિ અંગેની એક તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટરે વર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.
સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે જામનગર ખાતે પણ હાલમાં વધતા કેસોને ધ્યાને લઇ કૃષિ અને વાહન વ્યવહારમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા.
આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા,વોર્ડ, બેડ,ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેકટર રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારના સહયોગ સાથે વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે તેમ જણાવી કોરોનાના નોડલ ડો. એસ.એસ.ચેટરજીએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે.સાથે જ જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે હાલ જામનગર જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ,ઓક્સિજન, નર્સ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે તેમ ડિન નંદિની દેસાઈએ જણાવ્યું હતું. આ તકે મંત્રીઓ અને સાંસદ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમ, રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં કોઇ પણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી જામનગર જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.તો આયુર્વેદ યુનિવર્સીટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.આ ઉપરાંત સંક્રમિત બંદિવાનો માટે પણ સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરી દરેક સ્તરે સંક્રમિત દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કામગીરી અને નવીવ્યવસ્થાઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જામનગર ખાતે 1200 બેડની વ્યવસ્થાઓ છે જેને વધારીને આગામી દિવસોમાં વધુ 500 બેડના નિર્માણ સાથે 1700 બેડ સુધી લઇ જવામાં આવશે આ માટેની આવશ્યક તમામ પ્રક્રિયા માટે મંત્રીશ્રીઓ અને સાંસદએ તત્કાલ કામગીરી હાથ ધરી હતી.