કોરોના મહામારીના મુદ્દે એમ કહી શકાય કે, આભ ફાટયું છે.આભ શા માટે ફાટયું? તેની ચર્ચા હાલ જરૂરી નથી. પરંતુ ફાટેલા આભમાં થીંગડાઓ તાકીદે અને મોટાં પ્રમાાણમાં લગાવવામાં આવે તો સૌ ને રાહત મળી શકે. અત્રે કોરોના દર્દીઓના મોતની વાત મહત્વની છે. એકટીવ કેસો કે નવા પોઝિટીવ કેસો અંગે પછી પણ અથવા બીજા ક્રમે વિચારી શકાય. કોરોના દર્દીઓના મોતને અટકાવવામાં આપણે સૌ શા માટે સફળ થઇ રહ્યા નથી? તે મુદ્દો સૌથી ગંભીર અને મહત્વનો છે.
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ દેશભરમાં નવા પોઝિટીવ કેસોની સંખ્યા અકલ્પનીય ગતિએ વધી રહી છે. એકટીવ કેસોની સંખ્યા પણ રાક્ષસી બની રહી છે. હજારો દર્દીઓ રીકવર પણ થઇ રહ્યા છે એમ છતાં સૌથી ગમગીન બાબત એ છે કે, આપણે કોરોના દર્દીઓના મૃત્યુને અટકાવી શકતા નથી. આ આંકડો ગજબનાક રીતે આગળ વધી રહ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. આ દર્દીઓને બચાવી શકવામાં તંત્રો સફળ થયા નથી. ગુજરાત સરકાર મોતના આંકડાને નાનો રાખવા માટે 13 મહિનાથી કવાયત કરે છે. મોતનો વાસ્તવિક આંકડો બિહામણો છે તે સૌ જાણે છે.
માત્ર સરકારી આંકડાની વાત કરીએ તો ગઇકાલે રવિવારે એક જ દિવસમાં 89 લોકોના મોત અને 1164 નવા કેસ માત્ર સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. સરકારી ચોપડા મુજબ સૌરાષ્ટ્રમાં 11 દિવસમાં 425 મોત નોંધાયા છે. તેની સામે વાસ્તવિક આંકડો 2000 થી વધુ હોવાની શકયતા છે. કારણ કે, સરકારી હોસ્પિટલો મોટા ભાગના કોરોનાના દર્દીઓના મોતને કોરોનાથી થતું મોત લેખાવતા નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ખુદ ગુજરાત હાઇકોર્ટે કહેવું પડયું છે કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી જોવા મળી રહી છે. નવાઇની વાત એ છે કે, ગુજરાત સરકાર તથા સ્થાનિક તંત્રો કોરોના મુદ્દે ભૂતકાળમાં પણ હોવા જોઇએ તેટલાં ગંભીર રહ્યા નથી અને આજની તારીખે પણ સ્થાનિક તંત્રો માત્ર મિટીંગો અને નિવેદનો પર વધુ ધ્યાન આપે છે. કોરોના દર્દીઓના મોતનો આંકડો નાનો બનાવવા માટે સ્થાનિકથી માંડીને રાજય સરકારના સ્તર સુધી કોઇજ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી. જેને પરિણામે પરિસ્થિતિ ખૂબ જ બિહામણી અને ઘાતક બની રહી છે.
સિવિલ હોસ્પિટલોના કર્તાહર્તાઓ અને કલેકટર સહિતના અધિકારીઓ તથા મહાનુભવો કોરોના અંગે વિવિધ નિવેદનો કર્યા રાખે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જે કોરોના દર્દીઓ ડાયાબીટીસ અને હ્રદયરોગ સહિતની મોટી બિમારીઓ ધરાવતા હોય છે, તેવા દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે અને આપણી સૌની કમનસીબી એ છે કે, સ્થાનિક અખબારો સહિતની સમાચાર ચેનલોમાં કોરોના દર્દીઓના મોતના ખરા આંકડા નામ સરનામા સહિત રોજે રોજ જાહેર થાય તો પણ તંત્રો આ મોતના આંકડાઓને આધાર બનાવવાને બદલે પોતાની સરકારી ગતિવિધિઓમાં વ્યસ્ત છે.
મેડીકલ સાયન્સ પુષ્કળ પ્રમાણમાં વિકસી ચૂકયું છે, આધુનિક દવાઓ અને સાધનો ઉપલબ્ધ છે. આમ છતાં જે કોરોના દર્દીઓને સાથે સાથે અન્ય મોટાં રોગ છે તેવાં દર્દીઓના અન્ય રોગને કાબૂમાં લેવામાં આરોગ્ય સતાવાળાઓ અને સરકાર શા માટે ટૂંકા પડી રહ્યા છે ?! કે પછી ખરેખર ગુજરાતની આરોગ્ય સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં સજ્જ નથી ? જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ શહેરોમાં કોરોના સાથે અન્ય બિમારીઓ ધરાવતાં માત્ર વરિષ્ઠ નાગરીકો જ નહીં. યુવાનો અને બાળકોના પણ મોત થઇ રહ્યા છે. આ બધાં મોત અંગે સ્થાનિક તંત્રોએ તથા સરકારે લોકોને જવાબ આપવો જોઇએ. આ પ્રકારના સેંકડો મોતના કારણે અનેક પરિવારો મોટી મુશ્કેલીઓમાં મુકાઇ રહ્યા છે. સમગ્ર રાજયમાં શોક, ગભરાટ અને ભયનું વાતાવરણ સર્જાઇ ગયું ત્યાં સુધી જવાબદારોએ જવાબદારીની ફેકાફેંકી કરી છે. હવે તંત્રોએ તથા સરકારે જાગ્યા ત્યારથી સવાર ગણી લોકોને આરોગ્ય સંદર્ભમાં ખરેખર અને તાકિદે ઉપયોગી થવાની જરૂર છે. લોકોમાં સરકાર અને તંત્રો પ્રત્યે ભયાનક નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરકારે લોકોની સહનશકિતની કસોટી ન લેવી જોઇએ. એક વખત પ્રજાનો ગુસ્સો ફૂટી નિકળશે તો પરિસ્થિતિને અંકુશમાં લેવામાં સરકારને સફળતા મેળવવાની શકયતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય અખબારો અને સમાચાર ચેનલો ઉપરાંત સોશ્યલ મિડીયામાં સરકાર પર માછલાં ધોવાઇ રહ્યા છે. આમ છતાં સરકાર પોતાની રાબેતાં મુજબની પ્રક્રિયાઓ માંથી હજૂ ઉંચી આવતી નથી. જેને કારણે લોકોની નારાજગી વધી રહી છે અને મહામારી વધારે ઘાતક બની રહી છે. આ સ્થિતિ સરકાર અને લોકો કોઇના પણ માટે ઇચ્છનીય નથી.