ક્રિમિનલ પ્રોસિજર કોડ-સીઆરપીસીના કાયદામાં સુધારા કરતું ‘ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયક-2021’ ગુરુવારે વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે પસાર કરાવ્યું છે. અત્યારે પોલીસ કમિશનર કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડતાં સીઆરપીસીની કલમ 144 હેઠળના જાહેરનામાનો ભંગ થાય ત્યારે ફોજદારી અધિનિયમ, 1860ની કલમ 188 હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવા માટે એફઆઈઆર દાખલ કરવાનું કે ચાર્જશીટ દાખલ કરવાનું કાર્ય જાહેરનામું બહાર પાડનાર પોલીસ કમિશનર કે જિલ્લા મેજિસ્ટ્રેટએ કરવું પડે છે, હવે એફઆઈઆર-તપાસ કે ચાર્જશીટની સત્તા પોલીસને સોંપવા માટે આ સુધારા વિધેયક આવ્યું છે.
વિપક્ષે એમ કહીને આ સુધારા બિલને રજૂ નહીં કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો કે, આમ પણ સીઆરપીસીની કલમ 144નો બેફામ બિનલોકશાહી ઢબે દુરુપયોગ થઈ રહ્યો છે અને એમાં ફોજદારી અધિનિયમની કલમ 188 હેઠળ ગુના-તપાસ-ચાર્જશીટની કામગીરી પોલીસ યાને વકીલને હવે સોંપાશે તો આ સરકાર માટે તેના રાજકીય હરીફોને ગુનેગાર ઠેરવવાનું કામ આસાન બની જશે.
આ સરકારના શાસનમાં 144 હેઠળનું જાહેરનામું ત્રણસો પાંસઠે દિવસ રહે છે, એને કારણે લોકો તેમના અધિકારો માટે સરકારી કચેરીમાં જઈ શકતા નથી, ધરણાં-રેલી-ઉપવાસ-દેખાવોના કાર્યક્રમો થઈ શકતા નથી, 144ના જાહેરનામાનો દુરુપયોગ સરકાર સાથે અસંમતિ વ્યક્ત કરવાના અધિકાર ઉપર તરાપ મારવા માટે થાય છે, તાજેતરમાં કિસાન નેતા રાકેશ ટિકૈતની ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ધરપકડ થઈ એ તાજું ઉદાહરણ છે, એમ ઉલ્લેખી વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આ સુધારા વિધેયકને નહીં પસાર કરવાની સ્પષ્ટ માગ કરી હતી. તેમણે કહ્યું કે આ સુધારા વિધેયકમાં ‘સિવાય’ના એક શબ્દને સ્થાને ‘અથવા’ શબ્દનો પ્રયોગ થશે જે દુરોગામી અસરો ઊભી કરશે.
જાહેર સલામતી, શાંતિ, સુરક્ષા, વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ કમિશ્નર વિસ્તારમાં પોલીસ કમિશ્નર અને અન્ય વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ વિવિધ કાયદા સાંકળી CrPCની કલમ-144 હેઠળ પ્રતિબંધક કે નિયમનકારી જાહેરનામું પ્રસિદ્ધ કરતા. જ્યાં આવા જાહેરનામાના ભંગ જણાય ત્યાં HCની કલમ-188 હેઠળ ગુનો નોંધાતો. જે પોલીસ અધિકારનો ગુનો છે. પરંતુ CrPCની કલમ-195ની જોગવાઈ મુજબ જો જાહેરનામુ પ્રસિદ્ધ કરનાર એટલે કે પોલીસ કમિશ્નર કે મેજિસ્ટ્રેટ દ્વારા જ કોર્ટમાં ફરિયાદ અપાય તો જ કોર્ટ આ ગુનાનું કોગ્નિઝન્સ લે. માત્ર પોલીસની ફરિયાદનું કોગ્નિઝન્સ કોર્ટ લેતી નથી. અને આવા જાહેરનામા ભંગના ગુનાઓના કેસ કોર્ટ દ્વારા ફગાવી દેવાયા હતા.
હવે જાહેરનામા ભલે પોલીસ કમિશ્નર કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ થાય પરંતુ તેનો ભંગ થયાના ગુના અંગે પોલીસને જ એફઆઈઆર નોંધવાની સત્તા આ નવા સુધારા દ્વારા આપવામાં આવી છે. જેથી તપાસના અંતે ચાર્જશીટ પણ પોલીસ દ્વારા થાય અને કોર્ટે તેનું કોગ્નિઝન્સ લેવું પડે. પરંતુ, પોલીસને આવી અમાપ સત્તા આપવાથી દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. સત્તાધારી પક્ષ, જેના નિયંત્રણ હેઠળ સમગ્ર પોલીસ તંત્ર છે, તેને કોઈપણ વ્યક્તિ, સમુહ કે કાર્યક્રમથી રાજકીય નુકસાન થયાનું જણાય તો જાહેરનામાનો ભંગ થયો છે તેવી ધારણા માત્રથી પોલીસ આવી વ્યક્તિ, સમુહ કે કાર્યક્રમમાં ભાગ લેનારા સામે આ નવી મળેલી સત્તાનો બેફામ ઉપયોગ કરી શકે તેવો પણ ભય છે. નુકસાન થયાનું જણાય તો જાહેરનામાનો ભંગ થયો છે તેવી ધારણા માત્રથી પોલીસ આવી વ્યક્તિ, સમુહ કે કાર્યક્રમમાં ભાગ લેનારા સામે આ નવી મળેલી સત્તાનો બેફામ ઉપયોગ કરી શકે તેવો પણ ભય છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ બિલની ચર્ચાનો રાજકીય જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજકીય હરીફો સામે હિસાબ કરવા માટે નહીં, પણ જેણે અમને શાસન સોંપ્યું છે તે પ્રજાને અમારી કામગીરીનો હિસાબ આપવા માટે આ સુધારા વિધેયક લવાયું છે, આંદોલન કરવું એ વિપક્ષનો અધિકાર છે, તેમ રાજ્યની શાંતિ-સલામતીનું જતન કરવું એ અમારો અધિકાર છે, અમે કોઈના અધિકાર-હક્ક ઉપર તરાપ મારનારા નથી, અમે સંપૂર્ણ લોકશાહીમાં માનનારા છીએ, અમે પોલીસનો માર ખાઈ ખાઈને શાસનમાં બેઠાં છીએ, એવી કોઈ ‘ટ્રીટમેન્ટ’ પોલીસે તમને આપી નથી, ઊલટાંનું અમારી પોલીસ તો વિપક્ષ માટે સોફ્ટ રહી છે, પણ અમારી સહનશક્તિને અમારી મર્યાદા ના સમજશો, એમ ઉલ્લેખી ગૃહરાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, 144ના જાહેરનામાના ભંગ બદલ કલમ 188 હેઠળ કાર્યવાહી કરવા માટે જાહેરનામા બહાર પાડનારા સિવાયની વ્યક્તિ દ્વારા થતી એફઆઈઆર કે ચાર્જશીટનું કોગ્નિઝન્સ કોર્ટ દ્વારા લેવાતું ન હતું, તેથી આ સુધારો કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.