ગત તા.1 ફેબ્રુઆરીના રોજ નિર્મલા સિતારમન દ્રારા ફાઈનાન્સ બીલ રજુ કરવામાં આવ્યું ત્યારે આધારકાર્ડ તથા પાનકાર્ડની સાથે જોડવાના મુદ્દાને લઇને કોઈ દંડની જોગવાઈ કરવામાં આવી ન હતી. પરંતુ એક અઠવાડીયે ફાઈનાન્સ બીલની ચર્ચા વખતે જણાવવામાં આવ્યું હતું કે જો કરદાતા 31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક નહી કરે તો રૂ.1000નો દંડ વસુલવામાં આવશે.
31 માર્ચ સુધીમાં આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139-AA મુજબ જ્યારે કોઈ કરદાતા જે આધાર કાર્ડ મેળવવા હક્કદાર છે તેઓએ પોતાનો આધાર નંબર પોતાના PAN સાથે નિયત તારીખ સુધીમાં લિન્ક કરવો જરૂરી છે. આ નિયત તારીખ હાલ 31 માર્ચ 2021 છે. આ ઉપરાંત નવા PAN માટેની અરજી કરતાં વ્યક્તિએ પોતાના PAN અરજી ફોર્મમાં આધારની વિગતો દર્શાવવી ફરજિયાત છે. જે વ્યક્તિએ આધાર માટે અરજી કરી હોય પણ તેમને આધાર નંબર કોઈ કારણોસર મળ્યો ના હોય તેમણે PAN અરજીમાં પોતાની 28 આંકડાની આધાર એનરોલમેંટ ID દર્શાવવી જરૂરી છે.
કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ પણ જાહેરાત કરી છે કે તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવાવના રહેશે. આમ ન કરવા પર રોકણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્તી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળે.