Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે હોલિકાદહન: સોમવારે કોરોના કાળ વચ્ચે ધૂળેટી

આવતીકાલે હોલિકાદહન: સોમવારે કોરોના કાળ વચ્ચે ધૂળેટી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ઠેર-ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આવતીકાલે સાંજે 7 થી 10 દરમિયાન હોળી પ્રવટાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા જણાવાયું છે અને રાત્રે 12:18 વાગ્યે હોળાષ્ટક પૂર્ણ થશે. આવતીકાલે હોલિકા દહન યોજાયા બાદ સોમવારે લોકો ધૂળેટી પર્વનું કોરોનાકાળ વચ્ચે સાદગીપૂર્વક ઉજવણી કરશે.
જામનગરમાં આવતીકાલે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવશે. ભોઇ સમસ્ત જ્ઞાતિ દ્વારા પણ 65 વર્ષથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે સમાજની પરંપરા જળવાઇ રહે અને સાદગીપૂર્વક ઉજવણી થાય તે રીતે હોલિકાદહનની ઉજવણી કરવામાં આવશે. સમાજમાં મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવા તેમજ જામનગરની ધર્મપ્રેમી જનતાને આ વર્ષે હોલિકા મહોત્સવમાં ન જોડાવા ભોય સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. ભોય સમાજ દ્વારા આ વખતે સાદગીપૂર્વક પરંપરા સાથે ઉજવણી કરવામાં આવશે.
આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આમ ગત 2020ના વર્ષની માફક આ વર્ષે પણ તહેવારોની ઉજવણીમાં ભંગ પડી રહ્યો છે. સરકાર દ્વારા મર્યાદિત લોકોની હાજરીમાં હોલિકા દહનની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવતીકાલે સાંજે હોલિકા દહન થશે. બજારમાં ખજૂર, ધાણી, દારીયા, પતાસા, શ્રીફળ, હાયડો સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
હોળીના દિવસે બહેનો વ્રત કરે છે અને રાત્રીના હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ અને ધાણી-દારિયા હોળીમાં હોમે છે. હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિનું સન્માન કરાય છે. નાના બાળકોના ગળામાં પતાશાનો હાયડો પહેરાવી તેને હોલિકાના દર્શન કરાવવામાં આવે છે. આવતીકાલે હોલિકા દહન હોય, શહેરીજનો ધાણી-દારિયા સહિતની ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા છે.
આ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા મોટા આયોજનો પર પ્રતિબંધ લદાયો હોય, ધૂળેટીના રંગ ફિક્કા પડશે. દરવર્ષે યુવાનો ઉત્સાહભેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય, ધૂળેટીની ઉજવણી ફિક્કી પડશે. તેવું જણાઇ રહ્યું છે. આવતીકાલે હોલિકા દહન સાથે હોળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ સોમવારે ધૂળેટીનું પર્વ શહેરીજનો મનાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular