લંડનમાં શનિવારે લોકડાઉનના વિરોધમાં 10 હજારથી વધુ લોકોએ દેખાવ કર્યા હતા. બીજી બાજુ જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, સ્વિટ્ઝર્લેન્ડ, રોમાનિયા, સર્બિયા, પોલેન્ડ, ફ્રાન્સ અને બ્રિટનમાં પણ લોકડાઉન અને સ્થાનિક સમસ્યાઓ મામલે દેખાવ થવા લાગ્યા છે. સેન્ટ્રલ લંડનમાં થયેલા દેખાવોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે કહ્યું કે 33 લોકોની ધરપકડ કરાઇ છે. લોકોને ઘરોમાં રહેવા કહેવાયું છે. નકલી મહામારી તથા બાળકોનું જીવન બરબાદ કરવાનું બંધ કરો જેવા પોસ્ટર બતાવી લોકો દેખાવ કરી રહ્યા છે. બ્રિટનમાં કોરોના મહામારી નિયમ હેઠળ કોઇપણ પ્રકારના દેખાવ ગેરકાયદે છે. લોકડાઉન હેઠળ 29 માર્ચ સુધી બહાર નીકળવા સહિત જુદા જુદા પ્રતિબંધો લાગુ કરાયા છે. લોકો કહે છે કે લાંબા સમયથી લોકડાઉનને કારણે અમારી સામે રોજગાર સહિત જુદા જુદા પ્રકારના સંકટ પેદા થાય છે. અમને લોકડાઉનની આઝાદી જોઇએ છે. જોકે ઝડપી વેકિસનેશન અને લોકડાઉનને કારણે બ્રિટનમાં ગત બે મહિનામાં કોરોનાના નવા કેસ 12 ગણા સુધી ઘટી ગયા છે. મૃત્યુ પણ ઘટયા છે.
બ્રિટનમાં મહામારીને લીધે કોઇપણ પ્રકારના દેખાવની મંજૂરી નથી. શનિવારની ઘટના બાદ 60થી વધુ સાંસદોએ ગૃહમંત્રી પ્રીતિ પટેલને પત્ર લખી લોકડાઉન દરમિયાન દેખાવ કરવાની મંજૂરી આપવા માંગ કરી હતી. તેમાં કહ્યું કે કોઇ દેખાવમાં સામેલ થવું ગુનો નથી. કોરોનાથી સંબંધિત નિયમોમાં વધુ કડકાઇ અંગે પોલીસની પણ ટીકા થઇ રહી છે.
બ્રાઝિલમાં રવિવારે ગત 24 કલાકમાં 73,450 નવા કેસ અને 2321 મૃત્યુ નોંધાયા. અહીં ગત અઠવાડિયે 5.35 લાખથી વધુ મૃત્યુ મામલે બ્રાઝીલ હાલના સમયે દુનિયામાં ટોચે છે. વેકિસનેશનમાં પણ બ્રાઝીલ ખૂબ જ પાછળ છે. દેશમાં આઇસીયૂ બેડની માંગ કરતાં દેખાવો શરૂ થઇ ગયા છે.