દિલ્હી હાઇકોર્ટે તેના દ્વારા જ દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, હાલની સિસ્ટમ પ્રમાણે કોરોના રસી મેળવી શકે તેવા લોકોમાં વર્ગવાર નિયંત્રણ શા માટે રાખવામાં આવી રહ્યું છે? કેન્દ્ર સરકાર એફિડેવિટ દાખલ કરીને કારણો રજૂ કરે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, સરકાર પાસે કોરોનાની રસીનો જે જથ્થો છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. સરકાર ભારતના નાગરિકોને રસી આપવાને સ્થાને ક્યાં તો તેને વિદેશોમાં દાનમાં આપી રહી છે અથવા તો વિદેશોને વેચી રહી છે. સરકારમાં તાકીદની પરિસ્થિતિ અને જવાબદારીનું ભાન હોવું જોઇએ.
બાર કાઉન્સિલ ઓફ દિલ્હી દ્વારા માગ કરવામાં આવી હતી કે ન્યાયાધીશો, કોર્ટના કર્મચારીઓ અને વકીલો સહિત ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોને ફ્રન્ટલાઇન વર્કર્સ જાહેર કરવામાં આવે જેથી તેમને કોઇપણ પ્રકારની વયમર્યાદા અથવા તો શારીરિક સ્થિતિની મર્યાદાઓ વિના પ્રાથમિકતાના ધોરણે કોરોનાની રસી આપવામાં આવે.
જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની દિલ્હી હાઇકોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 60 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારી ધરાવતા 45 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઇ રહી છે તે સિસ્ટમ અંતર્ગત જે લોકો કોરોનાની રસી લઇ શકે તેમ છે તેમના પર વર્ગ પ્રમાણે શા માટે આકરાં નિયંત્રણ રાખવામાં આવી રહ્યાં છે? સરકાર એફિડેવિટમાં કારણો રજૂ કરે.
દિલ્હી હાઇકોર્ટે ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન કરી રહેલી પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીઓને પણ આડે હાથ લેતાં બંને કંપનીને કોરોના વેક્સિનની ઉત્પાદન ક્ષમતાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. જસ્ટિસ સાંઘી અને જસ્ટિસ પલ્લીની બેન્ચે જણાવ્યું હતું કે, સીરમ ઇન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેક કોરોના વેક્સિનના ઉત્પાદનની ક્ષમતાઓ ધરાવે છે પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી નથી.