હરિયાણાના યુવાનોને રાજ્યના ખાનગી સેક્ટરમાં 75 ટકા અનામત આપવાના બિલને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યે મંજૂરી આપી દીધી છે. પ્રદેશના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું છે કે, આગળની નોટિફિકેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ આ અંગે જણાવ્યું હતું કે ખૂબ જ આનંદ સાથે જાહેરાત કરી રહ્યો છું કે રાજ્યપાલની મંજૂરી પછી ’ધ હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ, 2020 આજથી સમગ્ર હરિયાણાં અમલી બની ગયું છે. જેનાથી પ્રાઇવેટ સેક્ટરમાં 75 ટકા નોકરીઓ હરિયાણાના યુવાનો માટે અનામત રાખવામાં આવશે.
ગયા વર્ષે નવેમ્બરમાં હરિયાણાના લોકોને રાજ્યની ખાનગી નોકરીઓમાં 75 ટકા અનામત આપતું બિલ હરિયાણા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન અને જનનાયક જનતા પાર્ટી(જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલાએ ટ્વિટર પર આ માહિતી આપી હતી.
તેમણે લખ્યું હતું કે હરિયાણાના લાખો યુવાનોને અમે આપેલુ વચન આજે પૂર્ણ થયું છે. હવે પ્રદેશની તમામ ખાનગી નોકરીઓમાં 75 ટકા યુવાનો હરિયાણાના હશે. સરકારનો હિસ્સો બનવાના એક વર્ષ પછી આવેલી આ ક્ષણ માટે મારા માટે ખૂબ જ મહત્ત્વની છે. જનનાયકની પ્રેરણા અને તમારા સહયોગથી હંમેશા તમારી સેવા કરતો રહું તે જ મારી ઇચ્છા છે.
ઉલ્લેખનીય છે કે આ બિલના વટહુમકને હરિયાણા સરકારની કેબિનેટે ગયા વર્ષે જુલાઇમાં મંજૂરી આપી હતી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ રાજ્યની ખાનગી નોકરીઓમાં 75 ટકા સ્થાનિક યુવકોની ભરતી ફરજિયાત કરવા માટે આ વટહુકમને કેબિનેટ સમક્ષ મૂક્યો હતો.
આ બિલની જોગવાઇ મુજબ શરૂઆતમાં અનામત દસ વર્ષ માટે અમલી રહેશે. 50,000 રૂપિયાથી ઓછા પગારની નોકરીઓમાં આ અનામત લાગુ પડશે. આ અનામતનો લાભ મેળવવા માગતા ઉમેદવારનો જન્મ હરિયાણામાં થયો હોવો જોઇએ અથવા તો તે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં રહેતો હોવો જોઇએ.