કોલસાના ગેરકાયદેસર ખનન મામલે CBIની તપાસ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી તેમની પત્ની અને તેમની સાળી સુધી પહોંચી તો આના પડઘા સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા. કોલસા ખનન કૌભાંડના મુખ્ય આરોપી અનૂપ માઝીની અપીલ પર રાજ્ય સરકારની દલીલ એ છે કે CBIને તો રાજ્યના આ કેસની તપાસનો અધિકાર જ નથી. પશ્ચિમ બંગાળ સરકાર ગેરકાયદેસર કોલસા ખનનની CBI દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર પ્રશ્ર્ન ઉઠાવતા સુપ્રીમ કોર્ટે પહોંચી છે.
કોર્ટમાં સોગંદનામું આપીને રાજ્ય સરકારે કહ્યું કે, આ મામલે CBIની તપાસ યોગ્ય નથી. કેમકે રાજ્ય સરકારે આ માટે પોતાની મંજૂરી બે વર્ષ પહેલા જ પાછી લઇ લીધી હતી, પરંતુ સીબીઆઈ અત્યાર સુધી તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ આ અપીલ પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠ આ મામલે આગળ સુનાવણી કરશે. ખંડપીઠ આ મુદ્દા પર સુનાવણી કરવા તો રાજી થઈ ગઈ છે, પરંતુ કોર્ટે CBI તરફથી નોંધવામાં આવેલી FIRમાં મુખ્ય આરોપી વેપારી અનૂપ માઝીને CBIના હાથે ધરપકડ અથવા દંડાત્મક કાર્યવાહીથી બચાવવાનો આદેશ આપવાથી ઇનકાર કરી દીધો.
કોર્ટે અનૂપ માઝીની અપીલ પર CBIને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે અને સુનાવણી પહેલી માર્ચ સુધી મોકુફ રાખી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલા કેસમાં રાજ્યમાં કોલસાના ગેયકાયદેસર ખનન અને હેરફેરમાં અનેક ગરબડો મળી છે. આમાં ઈસ્ટર્ન કોલફીલ્ડ, પૂર્વ રેલવે, CISF અને માઝી સહિત અનેક લોકો, કંપનીઓ અને સંસ્થાઓની સાંઠગાંઠ જોવા મળી છે. CBIએ આની તપાસ કરીને ગત વર્ષે નવેમ્બરમાં FIR નોંધી હતી. આ ક્રમમાં CBI, માઝીથી થઈને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્ની રુચિરા અને તેની બહેન સુધી પહોંચી. CBIને તપાસમાં આમના બેંક ખાતામાં મોટી જાહેર ના કરેલી જમા રકમ નીકાળી હોવાના દસ્તાવેજ મળ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પણ માથા પર છે અને સત્તારૂઢ પાર્ટી પર સીબીઆઈ તપાસના દાગ પણ લાગી રહ્યા છે.