ટૂલકિટ કેસમાં દિશા રવિને દિલ્હીને પતિયાલા હાઉસ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. દિશા રવિએ જાત મુચરકાના જામીન માટે રૂ. 1 લાખ જમા કરાવવાના રહેશે. તેણે આટલી જ રકમની બે સ્યોરિટી આપવા પડશે. આ અગાઉ દિલ્હી પોલીસે સાઇબર સેલની ઓફિસમાં નિકિતા જેકબ, શાંતનુ અને દિશા રવિને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. પોલીસે સોમવારે દિશા રવિની કસ્ટડી લંબાવવા માગણી કરી હતી. પોલીસ આ કેસમાં ત્રણેય આરોપીને સાથે બેસાડીને પૂછપરછ કરવા માગે છે તેવી દલીલ પછી કોર્ટે દિશા રવિના રિમાન્ડ એક દિવસ લંબાવ્યા હતા. જજે પોલીસ પાસે દિશા રવિ પર આરોપો લગાવવામાં આવ્યા મુજબ ખાલિસ્તાન આંદોલન સાથે સંલગ્ન પુરાવા માગ્યા હતા.
દિશા રવિના એક દિવસમાં રિમાન્ડ પૂરા થયા પછી મંગળવારે તેને પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જજ ધર્મેન્દ્ર રાણાએ દિશાની જામીન અરજી મંજૂર કરી હતી અને રૂ. 1 લાખના જામીન આપ્યા હતા. દિશાનાં વકીલોએ કહ્યું હતું કે દિશાનો પરિવાર આટલી મોટી રકમ ભરી શકવાની ક્ષમતા ધરાવતો નથી.
વોટસએપ ગ્રૂપની રચના કરવાથી કે ટૂલકિટ ડોક્યુમેન્ટનાં એડિટર તરીકે કોઈ ગુનો બનતો નથી. કોર્ટને જે ગણ્યાગાંઠયા અને આધારહીન પૂરાવા મળ્યા છે તે જોતા 22 વર્ષની આ યુવતીએ જામીનનાં નિયમોનો ભંગ કર્યો હોય તેવા કોઈ ધ્યાને લઈ શકાય તેવા કારણો નથી. દિશા રવિ અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય તેવું જણાતું નથી. વોટસએપ ગ્રુપ બનાવવું કે ટૂલકિટનાં નિર્દોષ એડીટર તરીકે કોઈ ગુનો બનતો નથી.
દિશા રવિએ કોઈ અલગતાવાદી વિચારો રજૂ કર્યા હોય તેવું જણાતું નથી. કોઈ ખોટી લાભદાયી ધારણાઓને ધ્યાનમાં લઈને તપાસ સંસ્થાને નાગરિકોની સ્વતંત્રતા નિયંત્રિત કરવા મંજૂરી આપી શકાય નહીં. નાગરિકો સરકારનાં અંતરાત્માનો અવાજ છે. સરકારની નીતિઓ સાથે સંમત ન હોવાને કારણે તેમને જેલમાં ધકેલી શકાય નહીં. સરકારનાં ઘવાયેલા અભિમાન પર મલમ લગાડવા માટે કોઈની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરી ઔશકાય નહીં.
દિશા રવિ દ્વારા તમામ આરોપો શાંતનુ અને નિકિતા જેકબ પર ઢોળવામાં આવ્યા છે. હિંસા ભડકાવવા માટે ખાલિસ્તાન સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું. 17 અને 18 જાન્યુઆરીએ ઝૂમ મિટિંગ કરાઈ હતી અને 23મીએ ટૂલકિટ તૈયાર કરાયું હતું. કેનેડાનાં પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ધાલીવાલ ભારતમાં કિસાનોની આડમાં હિંસા ફેલાવવા માગતા હતા. દિશા રવિએ તમામ પુરાવાનો નાશ કર્યો છે. પુરાવા સાથે ચેડાં કર્યા છે.