જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાનમાં હતાં. આ ચૂંટણી માટે રવિવારે 53.38 % મતદાન થયું હતું. રાજયની 06 મહાનગરપાલિકાની રવિવારે થયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન જામનગરમાં થયું હતું. આજે સવારે આ 64 બેઠકો માટે હરિયા કોલેજ ખાતે સવારે 9.00 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. જેમાં 1.00 વાગ્યાની સ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીને 36 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને વોર્ડ નં.01ના ચારેય ઉમેદવારોને જીત થઇ હતી. તેમજ વોર્ડ નં.13માં કોંગ્રેસને 01 બેઠક મળી હતી અને વોર્ડ નં. 06માં બહુજન સમાજ પાર્ટીને 03 બેઠક મળી હતી.
જામનગર મહપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે 53.38 % મતદાન થયું હતું. મતદાન થયા બાદ આજે સવારે જામનગરમાં આવેલી હરિયા કોલેજ ખાતે કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનના નેઝા હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતગણતરીની શરૂઆત થઇ હતી. આ પ્રારંભીક મતગણતરીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળવાના સંકેત મળી રહ્યા હતાં. જેમાં શરૂઆતી તબ્બકામાં વોર્ડ નં. 5 ની ભાજપાની પેનલનો ભવ્ય વિજય જાહેર થયો હતો. ત્યારબાદ એક પછી એક એમ ભાજપાની 08 પેનલોનો શાનદાર વિજય થયો હતો. જયારે વોર્ડ નં. 13માં ભાજપાને 03 બેઠકો અને કોંગ્રેસને 01 બેઠક મળી હતી. તેમજ વોર્ડ નં.06ના જાહેર થયેલા પરિણામોમાં આચકા રૂપ પરિણામ આવ્યું હતું. આ વોર્ડમાં બહુજન સમાજ પાર્ટીના 03 ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો. જયારે ભાજપાના 01 ઉમેદવારને જીત મળી હતી.
ઉપરાંત વોર્ડ નં.01માં સૌથી આંચકા જનક પરિણામમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જોકે આ વોર્ડમાં ભાજપની પેનલ જીતવાની શકયતા વધુ હતી પરંતુ પરિણામ વિપરીત આવ્યું હતું. તેમજ કોંગ્રેસને વોર્ડ નં. 13માં 01 બેઠક મળી હતી. જોકે, ગત ટમમાં કોંગ્રેસને વધુ બેઠકો મળી હતી. જયારે આ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ઘટી છે. કોંગ્રેસને આંચકા જનક સમાચાર વોર્ડ નં.02 માં આવ્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજાનો ઘોર પરાજય થયો હતો.