ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ શનિવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે જાહેર સભાઓ સંબોધી હતી. જે ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા રાજ્યના બે મંત્રી, સાંસદ, પક્ષ પ્રમુખ સહિતના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામના રિપોર્ટ નેગેટીવ આવતાં હાશકારો થયો છે.
જામનગરમાં શનિવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌ પ્રથમ સભા ધન્વંતરી ગ્રાઉન્ડમાં અને ત્યાર પછી બીજી સભા ચાંદી બજારના ચોકમાં યોજાઇ હતી. જે સભાના કાર્યક્રમ પછી બીજા દિવસે વડોદરામાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત નાદુરસ્ત થઈ હતી, અને તેઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી સાથે સંપર્કમા આવેલી વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ મુખ્યમંત્રી ના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સંપર્કમાં આવેલા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપરાંત શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા વગેરેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સાંસદ પૂનમબેન માડમે પણ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીના સ્ટેજ પ્રોગ્રામમાં જોડાયેલા અન્ય હોદ્દેદારો એ પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરાવી હતી. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત અનુભવાઇ હતી.