હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય સહિત 8 પરિવારજનોનની ઘાતકી હત્યા કરનારો સંજીવ કુમાર નામનો શખ્સ સાધુનો વેશ ધારણ કરીને રાજુલાના છતડિયા ગામના આશ્રમમાં રહેતો હોવાનું ખૂલતા આ વિસ્તારની ધર્મપ્રેમી જનતા પણ આંચકો ખાઈ ગઈ છે. વાચાળ સ્વભાવના આ શખ્સે ટૂંકા ગાળામાં નેતાઓ, અધિકારીઓ અને સાધુસંતો સાથે ઘરોબો કેળવ્યો હતો. તેની સાથે રહેતી મહિલા પણ પાછલા કેટલાક દિવસોથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હોવાથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે .
રાજુલાથી માત્ર એક કિમી દૂર આવેલા છતડીયામાં વીસેક વર્ષ જૂના ખડેશ્વરીબાપુના આશ્રમમાં આ શખ્સ છેલ્લા બે-એક વરસથી મહંત તરીકે રહેતો હતો. ખડેશ્વરીબાપુના અનુયાયીનો દેહવિલય થયા બાદ આ શખ્સ ઓમ આનંદગિરિ નામ ધારણ કરી આશ્રમમાં આવ્યો હતો.
તેણે ટૂંકાગાળામાં નામના મેળવી હતી. આ વિસ્તારના રાજકીય નેતાઓને ત્યાં તેનો આવરો જાવરો રહેતો હતો. તેણે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો કેળવ્યા હતા. એટલું જ નહીં સામેથી જનસંપર્કની તેની ટેવ હતી. જેને પગલે પાછલા કેટલાક સમયથી રાજુલા પંથકમાં નાના મોટા કોઈપણ કાર્યક્રમમાં તેને મુખ્ય મહેમાન તરીકે અચૂક આમંત્રણ મળતું હતું.
એક અજાણી મહિલા સાધ્વી તરીકે તેની સાથે આશ્રમમાં રહેતી હતી. જે હિન્દી અને ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વ ધરાવતી હતી. આ મહિલા પણ આશ્રમમાંથી પાછલા ઘણા સમયથી લાપતા છે. ઉંચી ઉંચી વાતોથી લોકોને ભરમાવતો સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરિ લોકોને મળતો ત્યારે તેને પોતાને કેવા કેવા ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે અંગત સંબંધ છે તેની ડંફાસ મારતો અને કહેતો ‘ટોચના રાજકીય નેતાઓ અને અધિકારીએ મારી સાથે અભ્યાસ કરતા હતા.’
હરિયાણાના હિસાર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય રેલૂરામ પુનિયા અને તેની પત્ની સહિત 8ની તેના જ જમાઈ સંજીવ અને તેની પત્નીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા કર્યા બાદ બંને જેલમાં ધકેલાયા હતા અને આજીવન કેદની સજા પડી હતી. 2018માં જેલમાંથી પેરોલ પર છુટી નાસી ગયેલો સંજીવ રાજુલા નજીક આશ્રમમાં સાધુ બનીને રહેતો હતો, જેને અંબાલા પોલીસે તાજતરમાં મેરઠમાથી ઝડપી લીધો હતો.