રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કોઇ પણ પ્રકારના નશાની વિરૂધ્ધમાં હતાં. ગુજરાત મહાત્માની જન્મભૂમિ અને કર્મભૂમિ હોવાથી ગુજરાત સરકારે રાજયમાં દારૂબંધી લાદેલી છે.જોકે, પ્રોહિબિશન એકટમાં પાછલાં વર્ષો- દાયકાઓમાં કેટલીક છૂટછાટો જાહેર થઇ છે તે અને રાજયમાં દારૂબંધીનો સરકારો કઇ રીતે અમલ કરાવી રહી છે? તે બન્ને અલગ મુદ્દાઓ છે. દરમ્યાન, એક નવી વાત એ જાહેર થઇ છે કે,ખાનગી સ્થળો એ ચોકકસ શરતોને આધિન નાગરિકોને શરાબપાન માટે છૂટ મળવી જોઇએ એવી માંગણી સાથે રાજયની વડી અદાલતમાં એક અરજી દાખલ થઇ છે. આ અરજીની સુનાવણી આગામી પહેલી માર્ચે થશે.
હાઇકોર્ટમાં દાખલ થયેલી આ અરજીમાં રાજય સરકારની પ્રોહિબિશન પોલીસીને પડકારવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ચોકકસ પરિસ્થિતિમાં કોઇ વ્યકિત એકાંતમાં ખાનગી સ્થળે શરાબપાન ઇચ્છતી હોય તો તેવી વ્યકિતને સરકારે શરાબપાનની છૂટ આપવા પ્રોહિબિશન એકટમાં જરૂરી ફેરફાર કરવો જોઇએ. કારણ કે, આ રીતે એવાં ઘણાં બધા લોકો શરાબપાન કરી રહ્યા છે જેઓને સરકાર દ્વારા પરમિટ આપવામાં આવી છે. આ પ્રકારની છૂટ અન્ય નાગરિકોને શા માટે નહીં ? એવો પ્રશ્ર્ન આ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે.
આ અરજી અદાલતમાં ચાલવા પર આવતા હાઇકોર્ટના સરકારી વકીલ મનીષા શાહે અદાલતને વિનંતી કરી કે, આ અરજીની સુનાવણી એકાદ સપ્તાહ માટે મુલત્વી રાખવામાં આવે.
આ અગાઉ બે વર્ષ પહેલાં રાજય સરકારના પ્રોહિબિશન એકટની અમુક જોગવાઇઓ સામે પ્રશ્ર્નો ઉઠાવતી અન્ય કેટલીક અરજીઓ દાખલ થઇ હતી. જેમાં રાજયના ડ્રાય કાયદાઓ અંગે પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યા છે.
હાઇકોર્ટમાં તાજેતરમાં આ અરજી દાખલ થતાં સરકાર વતી પ્લીડર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, સરકાર આ અરજીનો વિરોધ કરે છે. શરાબપાન સામાજિક દૂષણ છે અને પ્રોહિબિશન પોલીસીમાં કોઇપણ પ્રકારની છુટછાટ આપવામાં આવે તો સમાજના ઓછી આવક ધરાવતાં સમુહ સાથે સંકળાયેલી બાબતોમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉપસ્થિત થઇ શકે એમ છે.