વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જુબલી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતાં. આ દરમિયાન તેમણે એક સ્મારક પોસ્ટ ટિકિટ ઓનલાઈન જાહેર કરી. વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે, ન્યાયપાલિકાએ હંમેશાથી દેશવાસીઓના અધિકારો અને અંગત સ્વતંત્રતાની રક્ષા કરી છે અને તેને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે, જેમાં દરેક વ્યક્તિ માટે માત્ર ન્યાયની ગેરંટી નહીં હોય, પણ સમયસર ન્યાય પણ મળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડિઝીટલ સિસ્ટમ આપણને ઘણી ઝડપથી આધુનિક બનાવી રહી છે. ઈ-પ્રોસીડિંગ્સમાં વધારો થયો છે.સુપ્રીમ કોર્ટ દુનિયામાં સૌથી વધુ સુનાવણી કરતી કોર્ટ બની ગઈ છે. આજે આપણી કોર્ટમાં એક યૂનીક આઈડેન્ટિફીકેશન નંબર અને QR નંબર પણ આપવામાં આવી રહ્યો છે.જેનાથી નેશનલ ડેટા ગ્રિડ બની રહ્યો છે. આ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ પણ વધ્યો છે. આવનારા દિવસોમાં ભારતમાં ઈઝ ઓફ જસ્ટિસ વધે, તેના માટે સુપ્રીમ કોર્ટની કમિટિ કામ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બંધારણમાં ન્યાયની જે ધારણાં કરવામાં આવે છે તે ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે. તેથી સરકાર અને ન્યાયપાલિકા બંનેની ફરજ છે કે, આપણે દુનિયાના સર્વોત્તમ ન્યાય વ્યવસ્થાને જાળવી રાખીએ. તેમણે કહ્યું કે, આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાય મળવાની ગેરંટી હોય અને છેવાડાના પણ દરેક વ્યક્તિને ન્યાય મળી શકે.