ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડમાં હિંસા ઉશ્કેરવાનો આરોપી લક્ખા સિધાના ખેડૂતોના દેશવ્યાપી ચક્કાજામથી પહેલા પંજાબથી પાછો આવ્યો છે. લક્ખાએ શુક્રવાર સાંજે સિંધુ બોર્ડરથી જ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું. તેણે કહ્યું કે, પંજાબે જ આ આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. તેણે ખેડૂત નેતાઓને પણ અપીલ કરી છે કે કોઈને પણ 32 જથ્થાબંધીઓની કિમિટિમાંથી બહાર ન કરવામાં આવે.
સિધાના પર ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર તિરંગાના અપમાનનો પણ આરોપ છે. તેની પર એક લાખ રૂપિયાનું ઈનામ છે.
લક્ખાએ લાઈવ દરમિયાન કહ્યું કે, ખબર પડી છે કે સુરજીત સિંહ ફુલ અને એક અન્ય ખેડૂત નેતાને કમિટિમાંથી બહાર કરી દેવાયા છે, જે ખોટું છે. સરકાર સાથે વાતચીત થતા તમામે એક સાથે જવાનું છે. કમિટિને નાની નથી કરવાની. હાલ એક રહેવાનો સમય છે. એક સાથે રહીને લડવાની જરૂર છે. એકબીજા વચ્ચેની સમસ્યાઓનો પછી નિવેડો લાવીશું. હાલ કોઈ એવી ભૂલ નથી કરવાની જેનાથી આંદોલન તૂટી જાય. આ પંજાબના અસ્તિત્વ અને આવનારી પેઢીની લડાઈ છે. જો આ વખતે હારી ગયા તો પંજાબ સદીઓ પાછળ જતું રહેશે.
પોલીસ સતત આરોપી સિધાનાને શોધવાનો દાવો કરી રહી છે, પણ તે વારં વાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને પોલીસને પડકારી રહ્યો છે. તેણે બે દિવસ પહેલા પંજાબમાં એક ગુરુદ્વારાથી પણ વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, તે દિલ્હીથી પંજાબ આવ્યો છે. વીડિયોમાં તેણે અપીલ કરી છે કે 6 ફેબ્રુઆરીએ દરેક ઘરેથી લોકો મોટી સંખ્યામાં પંજાબના રસ્તા પર ઉતરે અને પોતાની શક્તિ દેખાડે.
લક્ખાએ ગાઝીપુર બોર્ડરનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે રીતે ત્યાં ખેડૂત આંદોલનનું મંચ રાજનેતાઓનું ઠેકાણું બનતું જઈ રહ્યું છે, તે ખોટું છે. સિંધુ અને ટિકરી બોર્ડર પર આ પ્રકારના કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને એન્ટ્રી ન આપશો.