ગુજરાતમાં નવ મહિના બાદ કોરોનાના એક્ટિવ કેસો ત્રણ હજાર નીચે પહોંચ્યા છે, છેલ્લે 27મી એપ્રિલે એક્ટિવ કેસોની સંખ્યા 2992 હતી. ત્યારબાદથી રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 3000 ઉપર જ રહી છે. રાજ્યમાં કોરોનાના નવાં 283 કેસ અને બે મોત નોંધાયા છે. આજની તારીખે રાજ્યમાં એક્વિટ કેસોની સંખ્યા 2956 છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વડોદરામાં 70, અમદાવાદમાં 52, રાજકોટમાં 41 અને સુરતમાં 38, જૂનાગઢમાં 11, ગાંધીનગરમાં 7, ભાવનગરમાં સાત કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં છ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી. આજે અમદાવાદમાં એક અને રાજકોટમાં એક એમ બે કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક 4391 થયો છે.
283 નવાં કેસ સામે 528 દર્દીઓ સાજાં થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક 2,55,059 થયો છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં 2956 કેસ એક્ટિવ છે. જે પૈકી 28 કેસ વેન્ટિલેટર પર અને 2928 કેસ સ્ટેબલ છે. આજે 924 કેન્દ્રો પર કુલ 27,065 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,19,519 વ્યક્તિને રસી આપવામાં આવી છે.