‘આતંકિસ્તાન’ બની ચૂકેલા પાડોશી દેશ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત સાથે શાંતિનો રાગ છેડયો છે. સંભવત: પાક.ના કોઈપણ સેના પ્રમુખ દ્વારા આવી રીતે પહેલીવાર શાંતિનો પ્રસ્તાવ થયો છે. જેને ભારતે આવકાર્યો છે.
ભારત અને પાકિસ્તાને ‘ગરિમાપૂર્ણ’, ‘શાંતિપૂર્ણ’ રીતે કાશ્મીર મુદ્દો ઉકેલવો જોઇએ તેવી પોકળ સલાહ બાજવાએ આપી હતી. પાક સેના વડાનું આ નિવેદન એક ચાલ છે, જેનો ઇરાદો બાયડન પ્રશાસનને એ બતાવાનો છે કે, પાક. તો શાંતિ ઇચ્છે છે, પણ ભારત તૈયાર નથી. સાથો સાથ, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમ રાખવા માગે છે. અમેરિકાએ પાક પર આતંકવાદ સામે કાર્યવાહીનું દબાણ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય મામલાઓના તજજ્ઞ કમર આગાના મત મુજબ બાજવાને એવો ડર સતાવે છે કે, અમેરિકા કાશ્મીરમાં શાંતિ માટે પણ દબાણ વધારી શકે છે.
આતંકવાદને ખતમ કરવા માટે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડન દબાણ કરે તે પહેલાં જ પાકિસ્તાને શાંતિનો આ દાવ ખેલ્યો છે. પાક એક શાંતિપ્રિય દેશ છે, જેણે ક્ષેત્રિય અને વૈશ્વિક શાંતિ માટે મોટું બલિદાન આપ્યું છે, તેવો પોકળ દાવો બાજવાએ કર્યો હતો.
પાકિસ્તાની સેનાએ બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં કરાયેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયાના અહેવાલો છે. અધિકારીઓનાં હવાલાથી ન્યુઝ એજન્સીએ બુધવારે મોડી રાત્રે આ અંગે જાણકારી આપી હતી.
સેના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં મોર્ટારથી હુમલા કરવાની સાથે ફાયરિંગ કર્યુ હતું. તેમાં એક સિપાહી લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું ત્યારબાદ મૃત્યુ થયું હતું. પાકિસ્તાન સતત LoC પર સીઝફાયર તોડી રહ્યું છે. તેનાથી સરહદી ગામોમાં રહેનારા હજારો લોકો જોખમમાં જીવી રહ્યા છે. તેમના પશુ, સંપત્તિ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે.