Thursday, April 2, 2026
Homeરાજ્યગુજરાતસસ્પેન્ડ કરાયેલા સહાયક રાજ્યવેરા કમિશનર એસ. કે. પટેલ સામે તટસ્થ તપાસ થશે...?

સસ્પેન્ડ કરાયેલા સહાયક રાજ્યવેરા કમિશનર એસ. કે. પટેલ સામે તટસ્થ તપાસ થશે…?

કલ્પ એન્ટરપ્રાઇઝ કેસમાં ગંભીર આક્ષેપો : બેન્ક ટ્રાન્ઝેક્શન દ્વારા અડધા કરોડથી વધુની લાંચ લેવાયાનો દાવો : ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસ જરૂરી

જામનગરમાં રાજ્ય વેરા વિભાગ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના એક ગંભીર અને ચોંકાવનારા કેસે સમગ્ર પ્રણાલીને હચમચાવી દીધી છે. સસ્પેન્ડ કરાયેલા સહાયક રાજ્ય વેરા કમિશનર એસ.કે. પટેલ સામે ઊભા થયેલા આક્ષેપો માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ સમગ્ર સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના જાળનું પ્રતિબિંબ દર્શાવે છે. હાલમાં સામે આવેલા પુરાવાઓ અને ફરિયાદો દર્શાવે છે કે માત્ર સસ્પેન્શન જેવી નરમ કાર્યવાહીથી વાત પૂરી થવાની નથી, પરંતુ આવા કિસ્સાઓમાં કડક કાયદેસર કાર્યવાહી અને રિકવરી જેવા કડક પગલાં લેવામાં આવે તે સમયની માંગ બની છે.

- Advertisement -

આ કેસમાં આરોપ છે કે એસ.કે. પટેલ અને તેમની સાથે સંકળાયેલા કેટલાક તત્વોએ સંગઠિત રીતે વેપારીઓને GSTના નિયમોનો ડર બતાવીને, તેમની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી લાખો રૂપિયાની ગેરકાયદેસર વસૂલી કરી હતી. આરોપ મુજબ, વેપારીઓને REG-17 નોટિસ અને રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા બતાવી દબાણમાં રાખવામાં આવતા હતા અને વેપાર ચાલુ રાખવા માટે મોટી રકમ ચૂકવવા મજબૂર કરવામાં આવતા હતા. આ સમગ્ર ગોઠવણીમાં ત્રણ જેટલા લોકોની ત્રિપુટીની મીલીભગત હોવાની પણ ચર્ચા છે, જે વેપારીઓને ટાર્ગેટ કરીને ગોઠવણબદ્ધ રીતે નાણાં પડાવતા હતા.

ખાસ કરીને કલ્પ એન્ટરપ્રાઇઝ કેસમાં સામે આવેલા આક્ષેપો અત્યંત ગંભીર સ્વરૂપ ધરાવે છે. ફરિયાદ મુજબ, આ કેસમાં આશરે 60 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને બાદમાં આ રકમ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં નિયમોના ખુલ્લા ઉલ્લંઘન સાથે અધિકારીય સત્તાનો દુરુપયોગ થયો હોવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. વધુમાં, ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો પ્રાથમિક દ્રષ્ટિએ આક્ષેપોને બળ આપે છે.
આ ઘટના એ પણ દર્શાવે છે કે ઘણા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ આવી છેતરપિંડીનો ભોગ બનતા હોવા છતાં, તેઓ ડર અને કાયદાકીય જટિલતાઓને કારણે આગળ આવતાં નથી. પોતાની વ્યવસાયિક પ્રતિષ્ઠા અને તંત્રના ભયને કારણે તેઓ ફરિયાદ કરવાનું ટાળે છે, જે ભ્રષ્ટ અધિકારીઓ માટે પ્રોત્સાહન સમાન બની રહે છે. પરિણામે, આવા તત્વો વધુ બેફામ બનીને કાયદાનો કોઈ ડર વિના અડધા કરોડથી વધુની રકમ બેન્ક ટ્રાન્જેકશન દ્વારા પણ પડાવવામાં સંકોચ અનુભવતા નથી.

- Advertisement -

હાલમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને GST વિભાગે પણ આ કેસને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. જોકે, સામાન્ય તપાસથી આગળ વધીને આ કેસમાં ઉચ્ચ સ્તરની, સ્વતંત્ર અને પારદર્શક તપાસ જરૂરી બની છે. તમામ બેંક ટ્રાન્ઝેક્શન, કોલ રેકોર્ડ્સ, તેમજ GST સંબંધિત કાર્યવાહીનું વિગતવાર વિશ્લેષણ કરીને દોષિતોને કડક સજા આપવામાં આવે તે અનિવાર્ય છે. માત્ર સસ્પેન્શન સુધી મર્યાદિત રહેવાને બદલે, સરકારને આવકનું નુકસાન થયાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રિકવરી અને કાયદેસર દંડાત્મક કાર્યવાહી કરવી જરૂરી છે.

જામનગર સામાન્ય રીતે ખાણીપીણી જેવી કે કચોરી માટે જાણીતી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભષ્ટ્રાચારી અધિકારીઓના કારણે કર-ચોરી અને GST વિભાગના ભ્રષ્ટાચારના બનાવોને કારણે એક અલગ જ છબી ઊભી થઈ રહી છે. એક પછી એક આવા કૌભાંડો સામે આવતા રહે છે, જે સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. આ સ્થિતિમાં GST વિભાગ અને સરકાર માટે આવશ્યક બની ગયું છે કે તે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદાને પોતાના હાથમાં લેવાની હિંમત ન કરે.

- Advertisement -

આ કેસમાં એક રાજકીય પક્ષના અગ્રણી સામે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જે મામલાને વધુ સંવેદનશીલ બનાવે છે. જો આ આક્ષેપોમાં સત્યતા હોય, તો તે માત્ર એક વિભાગ નહીં પરંતુ વ્યાપક સ્તરે સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. આખરે, આ સમગ્ર પ્રકરણ એક મોટો સંદેશ આપે છે કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે માત્ર કાર્યવાહી નહીં પરંતુ મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે. જો સમયસર અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવા કિસ્સાઓ માત્ર વધતા જશે અને સામાન્ય નાગરિકનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ડગમગી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular