જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ દેશભરમાં અજમાના વેપાર માટે વિશેષ ઓળખ ધરાવે છે. જેમ આંધ્રપ્રદેશનું ગન્ટુર લાલ મરચાં માટે હબ ગણાય છે, તેવી જ રીતે જામનગર અજમા માટેનું મુખ્ય પીઠું માનવામાં આવે છે. અહીંથી દેશભરમાં અજમા મોકલાવાય છે તેમજ ગલ્ફ દેશોમાં પણ મોટા પાયે નિકાસ થાય છે.
હાલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક શરૂ થઈ ચૂકી છે. જામનગર તથા આસપાસના વિસ્તારો ઉપરાંત રાજ્યના અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો અહીં અજમાના વેચાણ માટે આવે છે. ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ અજમાની હરાજી થતી હોવાથી જામનગરનું યાર્ડ અજમા માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
દૈનિક આવક અને ભાવ હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક અંદાજે 2000 જેટલી ગુણીની આવક નોંધાઈ રહી છે. અજમાના ગુણવત્તા અનુસાર ખેડૂતોને પ્રતિ મણ 1600 રૂપિયા થી લઈને 6000 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. ખાસ કરીને સારી ગુણવત્તાવાળા અજમાને ઉંચો ભાવ મળતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
કમોસમી વરસાદની અસર આ વર્ષે કમોસમી વરસાદના કારણે અજમાની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે, જે અજમા સારી ગુણવત્તાવાળો છે તેને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે, જેથી ખેડૂતોને થોડો રાહત મળી છે.
View this post on Instagram
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પીક સીઝન દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અજમાની આવક સૌથી વધુ થતી હોય છે. આ સમયગાળામાં યાર્ડમાં જગ્યા અભાવના કારણે નવી આવક પર રોક મુકવાની ફરજ પણ પડતી હોય છે.
જામનગરી અજમાની ખાસિયત જામનગરના અજમાનો કલર અને દાણા ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે, જેના પાછળ અનુકૂળ વાતાવરણ મુખ્ય કારણ માનવામાં આવે છે. અજમાનો ઉપયોગ મસાલા તરીકે ઓછા પ્રમાણમાં થાય છે, પરંતુ તેની ગુણવત્તા અને સ્વાદને કારણે દેશભરમાં તેની માંગ રહે છે. કોરોના બાદ અજમાનો ઔષધી ઉપયોગ વધતા તેની માંગમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
નિકાસ અને વેપારનું મોટું કેન્દ્ર જામનગરમાં અજમાના વેપારીઓ અને નિકાસકારોની સંખ્યા મોટી છે. અહીંથી મોટા પાયે ખરીદી કરીને દેશભરમાં તેમજ વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. અન્ય યાર્ડમાં અજમાની હરાજી ન થતી હોવાથી રાજ્યભર અને રાજ્ય બહારથી પણ ખેડૂતો જામનગર તરફ રૂખ કરે છે.
આ તમામ કારણોને લીધે દેશભરમાં અજમા માટે જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મુખ્ય હબ તરીકે ઓળખાય છે.


