જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનમબેન ખફી દ્વારા એસઆઈઆર (SIR ) ની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહિલા કોર્પોરેટરનો આક્ષેપ છે કે ફોર્મ નંબર 7ના નામે ખોટી ફરિયાદો નોંધાવીને મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવાની સાજિશ ચાલી રહી છે.
જેનમબેન ખફીએ જણાવ્યું કે વોર્ડ વિસ્તારમાં એક જ વ્યક્તિ દ્વારા 90થી વધુ મતદારો સામે ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે પોતે જ શંકાસ્પદ બાબત છે. આ મામલે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરતા ફરિયાદીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી ન હોવાની સ્પષ્ટતા કરતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
View this post on Instagram
આ ઘટનાને આધારે કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે ફોર્મ નંબર 7 અંતર્ગત ખોટી અને બનાવટી ફરિયાદો નોંધાઈ રહી છે અને તેના આધારે મતદારોના નામ રદ કરવાની ગેરરીતિપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડવાની કોશિશ હોવાનું પણ તેમણે જણાવ્યું.
જેનમબેન ખફીએ ચેતવણી આપી કે આ પ્રકારની ગેરકાયદેસર કામગીરી સામે કાયદાકીય લડત લડવામાં આવશે અને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ સુધી જવાની તૈયારી દર્શાવી છે. સાથે જ જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.


