ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ. વ. 49) કે જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી ખાતે મદદનીશ સહકારી અધિકારી (રાજ્ય સેવક) તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તા. 1 મે 2024 થી 30 જૂન 2024 સુધીના સમયગાળા દરમિયાન તેઓ પોતે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની કલમ મુજબ અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં તેમણે પોતાનો અંગત આર્થિક લાભ મેળવવાના હેતુથી જે લાભ ઓડિટ કરનાર અધિકૃત વ્યક્તિને મળવાનો હોવાનું પોતે જાણતા હોવા છતાં પોતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ – દેવભૂમિ દ્વારકા હસ્તકની અલગ અલગ કુલ 26 સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા હતા.
આ તમામ મંડળીઓ પાસેથી તેમણે ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78,000ની રકમ મેળવીને અલગ અલગ બે ચાર્ટર્ડ એકાઉન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો.
આ રીતે યેનકેન પ્રકારે ખોટા ઓડિટ અહેવાલ તૈયાર કરી, તેને સાચા ઓડિટ અહેવાલ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે બળવંતરાય ચંદ્રકિશોર જોશી (ઉ.વ. 52, રહે. જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા સામે આઈપીસી કલમ 409, 418, 419, 465, 468 અને 471 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ ચલાવી રહ્યા છે.


