Friday, January 30, 2026
Homeરાજ્યજામનગરકેન્દ્રીય બજેટથી જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટી અપેક્ષા - VIDEO

કેન્દ્રીય બજેટથી જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટી અપેક્ષા – VIDEO

GST ઘટાડો, ખાસ પેકેજ અને લોન સુવિધાની માંગ

કેન્દ્રીય બજેટ રજૂ થવાની ઘડીએ દેશભરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની નજર બજેટ પર મંડાઈ છે. જામનગરની વાત કરીએ તો શહેરને “બ્રાસ સીટી” તરીકે ઓળખવામાં આવે છે. જેમ સુરત ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે, તેમ જામનગર સમગ્ર દેશ અને વિદેશમાં બ્રાસ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે.

- Advertisement -

જામનગરમાં નાના-મોટા મળી અંદાજે ૮ હજારથી વધુ બ્રાસ કારખાનાઓ કાર્યરત છે, જેમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ૩ લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. આશરે ૫૦ અબજ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો બ્રાસ ઉદ્યોગ જામનગરના મુખ્ય ઉદ્યોગોમાં સ્થાન ધરાવે છે. હાલ મંદી, ડોલરના ભાવમાં વધારાના કારણે કાચા માલ અને નિકાસ પર અસર પડી રહી છે, ત્યારે આ ઉદ્યોગને બજેટમાંથી ખાસ રાહત મળે તેવી ઉદ્યોગકારોની મજબૂત માંગ છે.

- Advertisement -

બ્રાસ ઉદ્યોગકારોની મુખ્ય માંગ એ છે કે હાલમાં બ્રાસ પર લાગુ ૧૮ ટકા જીએસટી ઘટાડીને ૫ ટકા કરવામાં આવે, કારણ કે આ ઉદ્યોગ મુખ્યત્વે લઘુ ઉદ્યોગની શ્રેણીમાં આવે છે. જીએસટીમાં ઘટાડો થાય તો ઉત્પાદન ખર્ચ ઓછો થઈ શકે અને સ્પર્ધાત્મક બજારમાં જામનગરના ઉદ્યોગને મોટો ફાયદો મળી શકે.

ઉદ્યોગકારોનું માનવું છે કે જો બજેટમાં બ્રાસ ઉદ્યોગ માટે કોઈ વિશેષ પેકેજ અથવા યોજના જાહેર કરવામાં આવે તો આ ઉદ્યોગનો વિકાસ બમણો થઈ શકે. સાથે જ બ્રાસ ઉદ્યોગને વિકસાવવા માટે સરળ શરતો પર લોન, સબસિડી અને નાણાકીય સહાય જેવી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત ઉદ્યોગકારો દ્વારા ૨૦ ટકા કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવાની માંગ ઉઠાવવામાં આવી છે. વેપારીથી વેપારી ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતો ૧ ટકા TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) રદ કરવાની પણ માંગ છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે TCS રદ કરવાથી સરકારને કોઈ ખાસ રેવન્યુ લોસ થતો નથી, પરંતુ વેપારીઓને મોટો રાહતનો અનુભવ થાય છે.

ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગરના પ્રમુખ રામજીભાઈ પટેલે જણાવ્યું કે, “જામનગરનો બ્રાસ ઉદ્યોગ દેશ માટે મહત્વપૂર્ણ છે. GSTમાં ઘટાડો અને ખાસ પેકેજ મળે તો ઉદ્યોગ ફરી ઝડપથી આગળ વધી શકે.”

એસોસિએશનના સેક્રેટરી મેહુલ જોબનપુત્રાએ જણાવ્યું કે, “હાલ મંદી અને ડોલરના ભાવમાં વધારાના કારણે ઉદ્યોગ પર અસર છે. બજેટમાં ખાસ લોન અને નાણાકીય સુવિધા જરૂરી છે.”

ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જોષીએ કહ્યું કે, “૮ હજારથી વધુ કારખાનાઓ અને લાખો લોકોની રોજગારી આ ઉદ્યોગ પર આધારિત છે, તેથી સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર થવું જરૂરી છે.”

ઉદ્યોગકાર કાંતિભાઈ સોરઠીયાએ પણ આશા વ્યક્ત કરી કે, “કેન્દ્રીય બજેટમાં બ્રાસ ઉદ્યોગને યોગ્ય સ્થાન મળે અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે.”

એકંદરે, કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો GST ઘટાડો, ખાસ પેકેજ, લોન સુવિધા અને કર રાહતો સાથે ઉદ્યોગને નવજીવન મળે તેવી આશા રાખીને બેઠા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular