અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગાંડપણને કારણે સમગ્ર વિશ્વમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. ગ્રીનલેન્ડ, કેનેડા જેવા દેશો પર કબજો જમાવવાની સનક અને યુરોપ સહિતના દેશો પર તોતિંગ ટેરિફ ઝીંકી ટ્રેડવોર શરૂ કરતાં દુનિયાભરના બજારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બીજી તરફ ટ્રમ્પના આ પગલાંઓને કારણે લોકો સલામત રોકાણ તરફ જઇ રહયા હોય સોના-ચાંદીમાં અકલ્પનિય ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જયારે શેરબજારો ઉંધા માથે પટકાયા છે. આજે સવારે ફલેટ ખુલ્યા બાદ ભારતીય શેરબજાર પણ ઉંધા માથે પટકાયું હતું. એક સમયે સેન્સેસકમાં 1000 અને નિફટીમાં 300 પોઇન્ટનો કાડાકો બોલી ગયો હતો. ગઇકાલે પ્રમાણમાં મજબૂત રહેલું બેન્કિંગ સેકટર આજે વેચવાલીનો ભોગ બન્યું હતું. સૌથી વધુ વેચાણ બેંક શેરોમાં જોવા મળી રહ્યું છે. શેરબજાર સાથે ભારતીય રૂપિયો પણ ધરાતલમાં પહોંચી ગયો છે. ડોલર સામે 91.31ની ઐતિહાસિક નીચી સપાટીએ ટ્રૃેડ થઇ રહયો છે. મિડલ ઇસ્ટના ટેન્શનને કારણે ક્રુડના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. જયારે કોપર સહિતની અન્ય ધાતુઓમાં પણ ફાટ-ફાટ તેજી જોવાઇ રહી છે.
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ અને અમેરિકા-યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના તણાવને કારણે આજે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. બુધવારે (21 જાન્યુઆરી) સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં આશરે 2.70%નો ઉછાળો આવતા તે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. બુધવારે સવારે સોનાના ભાવમાં એટલો મોટો વધારો થયો કે તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે લગભગ 9:30 વાગ્યે, ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો પ્રતિ 10 ગ્રામના ₹1,54,628 પર પહોંચી ગયો હતો. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી, જ્યાં માર્ચ મહિનાનો ચાંદીનો વાયદો વધીને કિલો દીઠ ₹3,25,326 પર પહોંચ્યો હતો. દુનિયાભરમાં ચાલી રહેલા દેશો વચ્ચેના વિવાદો અને આર્થિક અસ્થિરતાને કારણે લોકો અત્યારે સોના-ચાંદીમાં રોકાણ કરવું સૌથી સુરક્ષિત માની રહ્યા છે, જેના કારણે આ જંગી ભાવ વધારો થયો છે.
અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુરોપિયન સંસદ અમેરિકા સાથેના વ્યાપાર કરારને મંજૂરી આપવાની પ્રક્રિયા રોકી શકે છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવાની પોતાની જીદ યથાવત રાખી છે, જેનાથી તણાવ વધ્યો છે.
ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, 1 જૂન 2026થી આ ટેરિફ વધારીને 25% કરવાની ધમકી આપી છે. તેના જવાબમાં યુરોપિયન દેશો પણ વળતા આર્થિક પગલાં લેવા તૈયાર થયા છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો જોખમ લેવાને બદલે સોનાને સુરક્ષિત માની તેમાં રોકાણ વધારી રહ્યા છે. આ સાથે જ ડોલરની નબળાઈએ પણ સોનાની કિંમતોને ટેકો આપ્યો છે.
સોના-ચાંદી, શેરબજાર, મેટલ સહિતની માર્કેટોમાં કેટલાક વખતથી ઉથલપાથલનો દૌર ચાલી રહ્યો છે તેવા સમયે હવે કરન્સી માર્કેટનો વારો આવ્યો હોય તેમ આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પ્રારંભિક કામકાજમાં જ 33 પૈસાનો કડાકો બોલી ગયો હતો અને 91.30ના તળીયે સરકી ગયો હતો.
વિશ્વસ્તરે યુધ્ધ, ટેરીફ વોર જેવા અનેકવિધ ઘટનાક્રમોના કારણે મેટલ સહિતની કોમોડીટી તથા શેરબજારમાં તિવ્ર પ્રત્યાઘાતો પડી જ રહ્યા છે અને તેની જ અસર કરન્સી માર્કેટમાં ઉભી થવા લાગી હોય તેમ આજે ડોલર સામે રૂપિયો નવેસરથી તિવ્ર દબાણમાં આવી ગયો હતો.
વિદેશી નાણા સંસ્થાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાંથી કરોડો- અબજો રૂપિયા પાછા ખેંચી રહી છે. ટેરીફના કારણે ભારતને ફટકો છે. ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય ભૌગોલિક કારણોથી કરન્સી માર્કેટ દબાણમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડોલર સામે રૂપિયાના ધબડકાથી અર્થતંત્રને મોટો ફટકો પડવાની આશંકા વ્યકત થવા લાગી છે. 10 દિવસ પછી કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. તે પૂર્વે જ રૂપિયાના કડાકાથી સરકારી અંદાજોમાં પણ ફેરફાર થઇ શકે છે. કારણ કે આયાતને બહુ મોટો ઝટકો લાગવાના ભણકારા છે.


