જામનગર શહેરના નીલકમલ સોસાયટીમાં રહેતો યુવાન તેના રૂમના પલંગ પર નિદ્રાધિન હતો ત્યારે નાક અને મોઢામાંથી લોહી નીકળતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. લાલપુર તાલુકાના પડાણા ગામમાં ઇંટના ભઠ્ઠામાં કામ કરતાં શ્રમિકનું બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરની નીલકમલ સોસાયટીના અશોક સમ્રાટનગરમાં રહેતો દિનેશભાઇ રમેશભાઇ બોંદરે (ઉ.વ.40) નામનો યુવાન ગત્ તા. 12ના રોજ રાત્રિના સમયે તેના રૂમના પલંગ પર નિદ્રાધિન હતો ત્યારે નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ મહેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણાના શિવપરા વિસ્તારમાં રહેતો દિલીપભાઇ કરશનભાઇ વાઘેલા (ઉ.વ.35) નામનો શ્રમિક યુવાન ગત્ તા. 12ના રોજ બપોરના સમયે રાયમલભાઇના ઇંટના ભઠ્ઠામાં મજૂરીકામ કરતો હતો ત્યારે અચાનક બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ ખીમાભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


