સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડે-મોડે શરૂ થયેલી ઠંડીએ હવે બરાબરની જમાવટ કરી હોય તેવું જણાઇ રહયું છે. જામનગર શહેરમાં ઉતરાયણના દિવસે ઠંડીએ હાજા ગગડાવી દીધા હતા. બુધવાર શહેરમાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. વહેલી સવારે સીઝનનું સૌથી ઓછું 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને કારણે જનજીવન ઠુંઠવાઇ ગયું હતું. પશુ-પક્ષીઓ પણ કડકડતી ઠંડીને કારણે કફોડી હાલતમાં મૂકાઇ ગયા હતા. લોકોએ ઠંડીમાં રાહત મેળવવા તાપણાનો સહારો લેવો પડયો હતો. બુધવાર બાદ ગુરૂવારે પણ તાપમાન 10 ડિગ્રી રહ્યું હતું. જો કે, આગલા દિવસની સરખામણીમાં ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આખો ડિસેમ્બર પસાર થઇ ગયો હોવા છતાં લોકોએ શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો ન હતો. ત્યારે જાન્યુઆરીના મધ્યમાં અસલ શિયાળો જામ્યો હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો. ઠંડીની સાથે ફૂંકાયેલા પવનોએ ઠંડીની તિવ્રતાને વધારી દીધી હતી. હજુ પણ 2-3 દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે.જેને કારણે લોકોને ઠંડીમાં રાહત મળશે.
આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર બરકરાર છે સૌ કોઇ ઠંડીથી ધ્રુજી રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને ઠંડીની ભારે અસર અનુભવાઇ રહી છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર વધુ રહેતા કડકડકતી ઠંડી સાથે શિયાળાનો માહોલ જામેલો જોવા મળે છે. જો કે બપોરના સમયે ઠંડીની અસર ઘટી જતા હુંફાળુ વાતાવરણ અનુભવાય રહ્યું છે અને ફરી સાંજે સૂર્યાસ્ત થતા ઠંડીની અસર વધવા લાગે છે.
આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગીરનાર ઉપર 2.5, અમરેલી 6, જુનાગઢ 7.5, પોરબંદર 8.9, રાજકોટ 8.4, જામનગરમાં 10 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં એક સાથે 4 ડિગ્રી ઠંડી વધતા જનજીવનને ભારે અસર થઈ હતી. ગિરનાર પર્વત ઉપર સવારનું તાપમાન 2.5 ડિગ્રી નોંધાતા સમગ્ર પર્વત વિસ્તાર માં કાતિલ ઠંડીનું મોઢું ફરી વળ્યું હતું. ગઈકાલે ઉતરાયણના દિવસે સવારે ગિરનાર પર્વત ઉપર 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે પારો 3.9 ડિગ્રી નીચે ઉતરીને 2.5 ડિગ્રીએ સ્થિર થતા ગિરનાર પર્વત ટાઢો બોળ થઈ ગયો હતો અને ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો સહિતના લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
આજે સવારે ગિરનાર પર્વત પર નોંધાયેલું 2.5 ડિગ્રી લઘુતમ તાપમાન સિઝનનું સૌથી નીચું હોવાનું જણાવ્યું હતું. ગિરનાર પર આજની કાતિલ ઠંડીના કારણે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું.
ગિરનારની સાથે સાથે જુનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો 3.9 ડિગ્રી નીચે આવીને 7.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ એકાએક ઠંડી વધતા વહેલી સવારે કફર્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહેતા લોકોને કાતિલ ધારનો સામનો કરવો પડ્યો હતો.


