જામનગર શહેરના બેડીગેઇટ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસના રૂમમાં રાજસ્થાનના અજમેરના યુવાનએ અકળ કારણોસર ગળફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના છતર ગામનો વતની અને હાલ સુરત નિવાસી યુવાનનું તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના બેડીગેઇટ વિસ્તારમાં આવેલા જયશ્રી કોમ્પલેક્સના જયશ્રી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 442માં રોકાયેલા રાજસ્થાનના અજમેરના જતીનભાઇ જશવંતસિંહ ચંદાવત (ઉ.વ.28) નામના યુવાનએ મકરસંક્રાંતિના દિવસે બપોરના સમયે રૂમની છતના હૂકના પંખામાં દુપટ્ટા વડે ગળફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે બાલગોવિંદ યાદવ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
બીજો બનાવ કાલાવડના છતર ગામમાં રહેતો અને સુરતમાં કામ કરતો યુવાન નરેન્દ્રભાઇ રણછોડભાઇ અકબરી (ઉ.વ.43) ગઇકાલે પોતાના ઘરે છતર ગામમાં આરામ કરતો હતો ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત હાર્ટએટેકથી નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે તેના ભાઇ અશોકભાઇ અકબરીએ જાણ કરતાં કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનના હે.કો. જી. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી હતી.


