જામનગર શહેરમાં ગાડીમાં ભુલાયેલ રોકડ ભરેલુ બેગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા શોધી અરજદારને પરત કરવામાં આવ્યું હતું.
મુળ મઘ્યપ્રદેશના અને હાલમાં ખંભાળિયામાં ખેત મજુરી કરતા કમલેશભાઇ સીગર તા.24ના ખંભાળિયાથી જામનગર આવવા માટે ઇકો ગાડીમાં બેઠા હતાં. અને સાત રસ્તા સર્કલ પાસે ઉતરતી વખતે રૂા.92700ની રોકડ તથા કપડા ભરેલુ બેગ ગાડીમાં ભુલી ગયા હતાં આ અંગે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં રજૂઆત કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલના સ્ટાફ દ્વારા સીસી ટીવી કેમેરા ચકાસતા જે ગાડીમાં બેગ ભુલાયુ હતું. તે ગાડીના નં.જીજે10 બીઆર 4130 જણાતા આરટીઓ ડેટામાંથી મોબાઇલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો.
આ ગાડી ચાલક પેસેન્જર ફેરા કરતો હોય ખાવડી ખાતે પર્હોંચ્યો હોવાનું જણાતા તેને મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં બેગ જમા કરાવવાનું જણાવ્યું હતું. અને મેઘપર પડાણા પોલીસનો સંપર્ક કરી ત્યાંથી બેગ મેળવી અરજદારને પરત કર્યુ હતું.


