જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈને કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને આયોજન બદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્ર્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે, કાલાવડ તાલુકામાં મંજુર થયેલ આરોગ્ય કેન્દ્રના કામો, સનદના પ્રશ્નો, કોઝવે બનાવવા બાબત, ઘરથાળના પ્લોટ ફાળવવા, અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, પી.એચ.સી. સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી, ગામતળથી દુર વિજ લાઇન નાખવી, ટી.સી. બદલવા, સબ સ્ટેશનની જગ્યા ન બદલવા, નવુ સબ સ્ટેશન બનાવવા, પાકને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા, ફોરેસ્ટની જમીનની માપણી કરવા, પ્રોપર્ટી કાર્ડ, સ્ટ્રીટ લાઇટના કામ, પિવાના પાણીની સુવિધા, મંજુર થયેલ આરોગ્ય કેન્દ્ર બનાવવા, આધારકાર્ડનું નવુ કેન્દ્ર શરૂ કરવા, પિવાના પાણીની નવી પાઇપલાઇન નાખવા, ચેકડેમ રીપેરીંગ, રસ્તાના કામો, દબાણ દુર કરવા, જમીન સંપાદનનું વળતર આપવા, ગૌચર અને સરકારી ખરાબાની જમીન ફાળવવા, ખેડુતની ખાનગી જમીનમાંથી વિજપરીવહન કરતી લાઇનના કિસ્સામાં ખેડુતોને જમીનનું વળતર ચુકવવા, સૌની યોજના અંતર્ગત નવા વાલ્વ મૂકવા, પ્રમોલગેશન દરમ્યાન રહેલી ક્ષતિ સુધારવા, જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ડી.એમ.એફ. ગ્રાન્ટ હેઠળ થયેલા કામો, ફાળવવામા આવેલ જમીન અન્વયે થયેલ શરતભંગ, ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની કામગીરી, પાણીની પાઇપ લાઇન નિયત અંતરે ખસેડવાની કામગીરી, જમીન માપણી કામગીરી, પી.જી.વી.સી. એલ.અંતર્ગત ટેમ્પરરી કનેક્શન લેવા, વિચરતી વિમુક્ત જાતિના લોકોને તેના વિસ્તારમાં પ્લોટ ફાળવવા, નવો બસ રૂટ શરૂ કરવા, પી.જી.વી.સી.એલ.ના પ્રશ્નો, પવનચક્કી તથા વીજલાઇન ઉભી કરતી કંપનીઓના પ્રશ્નો સહિતના સબંધિત પ્રશ્નોની જનપ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને લોકો તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. તેમણે તમામ પડતર કામોનો ઝડપથી અને સમયમર્યાદામાં નિકાલ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક રવિકુમાર સૈની સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


