Tuesday, December 23, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રાફિકજામ એ રોજના દ્રશ્યો, રોજની મુશ્કેલી! - VIDEO

જામનગરમાં ટ્રાફિકજામ એ રોજના દ્રશ્યો, રોજની મુશ્કેલી! – VIDEO

વિક્ટોરિયા પુલ પાસે બનેલું ‘મીની બસ સ્ટેન્ડ’ રસ્તા પર

શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગમાં જ વાહનચાલકો ફસાય

- Advertisement -

જામનગર શહેરમાં ટ્રાફિકની સ્થિતિ હવે એવી બની ગઈ છે કે શહેરમાં પ્રવેશતાં પહેલાં જ વાહનચાલકોનું ધીરજ પરીક્ષણ શરૂ થઈ જાય છે. રોજ સવાર અને સાંજના સમયે શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો પર સર્જાતો ટ્રાફિકજામ આકસ્મિક નથી, પરંતુ નિયમિત કાર્યક્રમ બની ગયો છે.

ખાસ કરીને રાજકોટ તરફથી જામનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર વિક્ટોરિયા પુલ નજીક સુભાષ ચંદ્ર બોસના પૂતળા પાસે રસ્તા પર જ ઉભું થયેલું મીની બસ સ્ટેન્ડ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બન્યું છે. અહીં એસ.ટી. બસો, ખાનગી બસો અને અન્ય મોટા વાહનો રસ્તાની વચ્ચેજ લાંબા સમય સુધી ઊભા રહી મુસાફરોને બેસાડે છે. પરિણામે પાછળથી આવતાં વાહનો માટે આગળ વધવાનો માર્ગ બંધ થઈ જાય છે અને થોડી જ મિનિટોમાં ટ્રાફિકનો લાંબો કતારો લાગી જાય છે.

- Advertisement -

રમુજની વાત એ છે કે બસ સ્ટેન્ડ તો રસ્તા પર છે, પરંતુ બસો એવું વર્તન કરે છે જાણે આખો રસ્તો તેમની ખાનગી મિલકત હોય! એક બસ ઊભી રહે, પાછળ બીજી બસ આવે અને પછી તો વાહનચાલકોને એવું લાગે કે જાણે તેઓ બસ ડેપોમાં ફસાઈ ગયા હોય. કાર, બાઈક અને રિક્ષા ચાલકો માટે તો અહીંથી પસાર થવું એટલે ધીરજ, હોર્ન અને સમય ત્રણેયની કસોટી થતી રહે છે.

- Advertisement -

આ માર્ગ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય રસ્તો હોવા ઉપરાંત રાજકોટ તરફ જવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. દિવસભર ભારે વાહન વ્યવહાર રહેતો હોવાથી સવાર અને સાંજના પીક સમય દરમિયાન ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ જાય છે. ક્યારેક ટ્રાફિક પોલીસના જવાનો હાજર રહે ત્યારે થોડીવાર માટે સ્થિતિ સુધરે છે, પરંતુ પોલીસની હાજરી ન હોય ત્યારે ફરીથી જેમ હતું તેમ ટ્રાફિકજામ પાછો હાજર!

બીજી તરફ દ્વારકા હાઇવે પરથી શહેરમાં પ્રવેશતા માર્ગ પર સમર્પણ ચોકડી પાસે પણ સ્થિતિ કંઈ અલગ નથી. સવાર અને સાંજના સમયે મોટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, દ્વારકા તરફ જતા મુસાફરો અને સ્થાનિક વાહનોના ભારે ધસારાને કારણે અહીંથી પસાર થવું એટલે સમયનો મોટો બગાડ. સમર્પણ ચોકડી હવે ચોકડી નહીં, ટ્રાફિકના જામનુ મુખ્ય માર્ગ બન્યો છે.

વધતી વાહન સંખ્યા, બસ સ્ટોપનું અયોગ્ય આયોજન, રસ્તા પર આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક નિયંત્રણની અછતના કારણે જામનગરના મુખ્ય પ્રવેશ માર્ગો પર રોજિંદું ટ્રાફિકજામ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિથી સામાન્ય નાગરિકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સૌ કોઈ હેરાન છે.

હવે શહેરીજનો તરફથી એકસ્વરે માંગ ઉઠી રહી છે કે આ સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવે. આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી થાય અને પીક સમય દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે જેથી જામનગરમાં પ્રવેશતા વાહનચાલકોને રોજિંદી હેરાનગતિમાંથી સાચી રાહત મળી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular