અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રણસૈય્યદ ચોકડી પાસે બનેલી હૃદયદ્રાવક દુર્ઘટના સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી રહી છે. સારવાર માટે ઝડપે દોડી રહેલી એમ્બ્યુલન્સમાં અચાનક લાગેલી આગમાં ત્રણ નિર્દોષ લોકોના જીવ ગયા.
માહિતી મુજબ, અમદાવાદના ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ એક દિવસના નવજાત બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જતી હતી. દરમિયાન માર્ગમાં અજાણ્યા કારણોસર એમ્બ્યુલન્સને આગ લાગી. આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે અંદર રહેલા ડોક્ટર, નર્સ અને નવજાત બાળક આગના ભડાકામાં ફસાઈ ગયા અને ત્રણેયનું કરુણ મૃત્યુ થયું.
View this post on Instagram
જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને બાળકના સગાને આગની શરૂઆતમાં જ બહાર કાઢી લેવામાં આવતા તેઓ જીવતા બચી શક્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોડાસા નગર પાલિકાના ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને થોડા સમયમાં આગને કાબૂમાં લીધી.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો છે. લોકોમાં એમ્બ્યુલન્સ જેવી જીવ બચાવવાની સેવાઓમાં આવી ઘટનાઓ બનતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત તંત્રોએ વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં પગલા લીધા છે.
માનવજીવન બચાવવા માટે દોડી રહેલી એમ્બ્યુલન્સ જ ભયાનક આગની ધરપતમાં આવી ગઈ હોવાને કારણે આ ઘટના સૌને હચમચાવી નાખે તેવી છે.


