જામનગર શહેરના નંદનવન પાર્ક નજીક ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયેલો મળી આવ્યો હતો. દવાઓ સહિતનો મોટો જથ્થો જાહેર સ્થળે ફેંકવામાં આવતા કાયદાનું ઉલ્લંઘન થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ આ કચરો કોઈ હોસ્પિટલ અથવા મેડિકલ સંસ્થાનો હોવાનું જણાય છે. ખુલ્લામાં આવા બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. આવા કચરાથી રોગચાળો ફેલાવવાની શક્યતાઓ પણ વધે છે.
View this post on Instagram
આ સમગ્ર ઘટના અંગે આરોગ્ય તંત્રની કામગીરી અને દેખરેખ પર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ આ પ્રકારનો કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ કરી છે.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ટીમ દ્વારા આસપાસના સ્થાનિકોના નિવેદનો લેવામાં આવ્યા છે અને કચરો કોના દ્વારા ફેંકાયો તે અંગે શોધખોળ ચાલુ છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કચરાનો નમૂનો એકત્રિત કરીને તેની તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તપાસના આધારે જવાબદાર સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.


