કાલાવડ તાલુકાના હરિપર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરીકામ કરતાં યુવકનો એક વર્ષનો પુત્ર રમતા રમતા અકસ્માતે પાણીની કૂંડીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ મૂળ મઘ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપુર તાલુકાના સાગોલા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલ ચંદુભાઇ વસોયાની વાડીમાં ખેત મજૂરીકામ કરતાં કમલેશભાઇ દિવાનભાઇ શિંગાળ નામના યુવકનો પુત્ર ગણેશ (ઉ.વ.01) નામનો બાળક ગુરૂવારે બપોરના સમયે તેના ખેતરમાં રમતો હતો. તે દરમ્યાન રમતા રમતા અકસ્માતે પાણીની કૂંડીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત નિપજયું હતું. બનાવની જાણ કમલેશભાઇ દ્વારા કરાતા હે.કો. બી. એસ. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


