Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઆઇ.ટી.આર.એ.ના સ્થાપના દિવસે નવી પહેલ - VIDEO

આઇ.ટી.આર.એ.ના સ્થાપના દિવસે નવી પહેલ – VIDEO

આર્યુવેદની રાષ્ટ્રીય સંસ્થા ITRA માં ત્રણ દિવસીય આંતરાષ્ટ્રીય સેમિનાર
26 જેટલા દેશના પ્રતિનિધીઓ જોડાયા,
વૃદ્ધાવસ્થા માટે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર હવે થશે સાકાર

- Advertisement -

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન – આઇ.ટી.આર.એ. (Institute of Teaching and Research in Ayurveda) એ તેના સ્થાપના દિવસના અવસરે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ “આયુર જેરીયાકોન – 2025” નું ભવ્ય આયોજન કર્યું છે.

- Advertisement -

આ કોન્ફરન્સનું ઉદ્દઘાટન 15 ઓક્ટોબરના રોજ આઇ.ટી.આર.એ.ના મુખ્ય પરિસરમાં ભવ્ય રીતે થયું. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલનથી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રોફેસર તનુજા નેસરી (ડાયરેક્ટર, આઇ.ટી.આર.એ.) ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રમુખ અતિથિ તરીકે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ, તેમજ એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન ડૉ. બી.એલ. મહેરા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં દેશ-વિદેશના ૨૬ જેટલા આયુષ તથા ચિકિત્સા સંસ્થાનના વડાઓ અને તજજ્ઞો ઓફલાઇન અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.

- Advertisement -

પ્રારંભિક સત્રમાં આઇ.ટી.આર.એ.ની સ્થાપના અને તેની સિદ્ધિ યાત્રાનો વિડીયો પ્રદર્શન કરાયો હતો. બાદમાં પ્રોફેસર તનુજા નેસરીએ આપેલા સ્વાગત ભાષણમાં જણાવ્યું કે “જામનગર એ આયુર્વેદની જનક ભૂમિ છે. અહીંથી આયુર્વેદના આધુનિક શિક્ષણ અને સંશોધનની શરૂઆત થઈ હતી. હવે વૃદ્ધાવસ્થા માટે આયુર્વેદિક ઉપચારની એક નવી દિશા જામનગરમાંથી જ શરૂ થશે.”

ત્રણ દિવસ સુધી ચાલેલી આ કોન્ફરન્સમાં વૃદ્ધાવસ્થા માટેની આયુર્વેદિક સારવાર અને સંશોધન માટે માર્ગદર્શિકા તથા નીતિ ઘડવામાં આવશે.
પ્રોફેસર તનુજા નેસરીએ જણાવ્યું કે એલોપેથી પદ્ધતિમાં જીરીયાટ્રીક એટલે કે વૃદ્ધાવસ્થાની આરોગ્યસંભાળ માટે વિશિષ્ટ વિભાગ છે, પરંતુ આયુર્વેદમાં આજદિન સુધી તે ગ્રંથો સુધી સીમિત હતું. હવે “આયુર જેરીયાકોન” કોન્ફરન્સ દ્વારા તેની સત્તાવાર વ્યવસ્થા અને અભ્યાસક્રમની દિશા નક્કી કરવામાં આવશે.

વિશ્વના ૫૦૦થી વધુ તબીબી નિષ્ણાતો અને સંશોધકો ભાગીદાર બન્યા હતા. અર્જેન્ટિના, ઇટાલી, ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કોન્ફરન્સમાં કુલ ૧૦ વક્તાઓ દ્વારા ૩ દિવસમાં વિવિધ સત્રો યોજાયા, જેમાં વૃદ્ધાવસ્થા સંબંધિત રોગો, આયુર્વેદિક દ્રષ્ટિકોણ, જીવનશૈલી સુધારણા, યોગ તથા આહારના પ્રભાવ જેવા વિષયો પર ચર્ચા થઈ.

છ અલગ વર્કશોપમાં વિવિધ વિષયો પર ચર્ચા અને વિચારવિમર્શ કરીને જીરીયાટ્રીક હેલ્થ માટે એક્શન પ્લાન અને ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી. કોન્ફરન્સ દરમિયાન વૃદ્ધોના આરોગ્ય સંભાળ માટે ખાસ ડિઝાઇન કરાયેલી ડિજિટલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી.

આયુર્વેદિક જીરીયાટ્રીક અભ્યાસક્રમ માટેનો પાઠ્યક્રમ અને પ્રાયોગિક માળખું પણ તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યમાં દેશ અને વિશ્વ માટે દિશા દર્શક સાબિત થશે.

આઇ.સી.એ.એસ. (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીઝ) ની રજત જયંતિ ઉજવણી

આ જ પ્રસંગે જામનગર સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીઝ (ICAS) કેન્દ્રની રજત જયંતિ પણ ઉજવવામાં આવી.
વર્ષ ૨૦૦૦માં સ્વ. પ્રોફેસર વૈદ્ય પી.વી.એન. કુરૂપ અને સ્વ. પ્રોફેસર વૈદ્ય એમ.એસ. બઘેલના માર્ગદર્શન હેઠળ સ્થાપિત આ કેન્દ્ર આજે વિશ્વભરમાં આયુર્વેદ પ્રસારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

છેલ્લા ૨૫ વર્ષમાં ૬૭ દેશોના ૫૨૫થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અહીંથી સ્નાતક, અનુસ્નાતક તથા પી.એચ.ડી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યાં છે. આજના દિવસમાં જાપાન, બ્રાઝિલ, રશિયા, શ્રીલંકા, મોરેશ્યસ, નેપાળ અને ભૂટાન જેવા દેશોમાં આ વિદેશી વિદ્યાર્થીઓ આયુર્વેદિક તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સહયોગના ભાગરૂપે આઇ.સી.એ.એસ. દ્વારા વિશ્વના ૧૦ દેશોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર ખાતે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ વર્ગો, ભાષાશિક્ષણ, નિવાસ તથા પ્રાયોગિક તાલીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે વેલેડિક્ટરી સેશન યોજાયું જેમાં ભાગ લેનાર વિદેશી પ્રતિનિધિઓ અને સંશોધકોને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા. સમાપન પ્રસંગે વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું કે “જામનગર માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આયુર્વેદિક શિક્ષણ અને સંશોધનનું પ્રકાશપુંજ છે.”

અંતે આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ સૌ પ્રતિનિધિઓનો આભાર માનતા જણાવ્યું કે આગામી વર્ષોમાં જામનગરમાંથી જીરીયાટ્રીક હેલ્થ માટેનું રિજનલ કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં વૃદ્ધોને શુદ્ધ આયુર્વેદિક ઉપચાર મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular