4 ઓકટોબરથી આરબીઆઈ દ્વારા દેશભરની બેંકોમાં લાગુ કરવામાં આવેલી રિયલ ટાઈમ ચેક ક્લીયરીંગ સીસ્ટમમાં રહેલી અનેક ખામીઓને કારણે દેશભરની બેંકો સહિત જામનગરની બેંકોમાં પણ સેમ ડે ક્લીયરીંગના ધજાગરા થયા છે. જામનગરની મોટાભાગની બેંકોમાં આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી ન હોવાને કારણે ગ્રાહકોમાં કાગારોળ મચી જવા પામી છે. સિસ્ટમ લાગુ થયાના એક સપ્તાહ બાદ પણ સિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરવામાં નહીં આવતા સ્થાનિક લેવલે બેન્ક અધિકારીઓ પણ લાચાર બનીને હાથ ઉંચા કરી રહ્યા છે. સેમ ડે ચેક ક્લીયરીંગ ન થવાના કારણો આપવા માટે પણ બેન્ક અધિકારીઓ સક્ષમ નથી જેને કારણે મોટાઉપાડે લાગુ કરવામાં આવેલી આ સિસ્ટમ સામે દિવાળી ટાણે જ ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. એક તરફ દિપાવલીના પર્વને કારણે વેપારી વર્ગમાં બેન્કીંગ ટ્રાન્જેકશનમાં વધારો થયો છે. તેને કારણે ક્લીયરીંગમાં આવતા ચેકની સંખ્યામાં પણ વધારો થતા સેમ ડે ચેક ક્લીયર થવા મુશ્કેલ બન્યા છે. આવી સ્થિતિમાં આરબીઆઈની આ નવી સિસ્ટમની જાહેરાત સામે બેન્ક ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં આ સિસ્ટમ આરબીઆઈ દ્વારા ઉતાવળે અને પૂર્ણ ચકાસણી વગર અમલમાં મૂકી દેવામાં આવી હોવાની લાગણી પણ બેન્ક ગ્રાહકોમાં જણાઈ રહી છે.
જામનગરમાં આવેલી તમામ ખાનગી, સરકારી અને સહકારી બેંકોમાં સિસ્ટમની ખામીને કારણે સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે ગ્રાહકો આરબીઆઈની જાહેરાતને પગલે બેંક અધિકારીઓ અને બેંકના સ્ટાફને ઘોડો-ઘોડો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક લેવલે બેન્ક અધિકારીઓ કે કર્મચારીઓનો આ બાબતે કોઇ વાંક ન હોવા છતાં ગ્રાહકોનો રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવેલી સેમ ડે ક્લીયરીંગ સિસ્ટમમાં કરાયેલી તમામ ટેકનિકલ ક્ષતિઓ દિવાળીના પર્વ પહેલાં જ દૂર કરવામાં આવે તેવી લાગણી બળવતર બની છે.


