કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં સોલાર પ્લાન્ટના મેનેજરના ઘરે બે શખ્સોએ આવીને બળજબરીથી પૈસા કઢાવી લેવા માટે યુવાન ઉપર હુમલો કરી ઘરવખરી તથા બે બાઇકમાં આગ લગાવી, ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના મીરજાપુર જિલ્લાના જીગના તાલુકાના પંડિયાત એરિયા ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં જૂની પીજીવીસીએલ કચેરી પાસે રહેતો અને સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતો અનમોલ મનોજસિંઘ (ઉ.વ.31) નામનો યુવાન ગત્ તા. 28ના રાત્રિના સમયે તેના ઘરે સૂતો હતો ત્યારે કાલાવડ તાલુકાના ડેરી ગામના ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને એક અજાણ્યા સહિતના બે શખ્સોએ અનમોલના ઘરે આવી બળજબરીથી પૈસા કઢાવી લેવા માટે યુવાનની ઘરવખરીનો સામાન તેમજ બે બાઇકમાં આગ ચાંપી દીધી હતી. યુવાનને ગાળો કાઢી, લાકડાના બેટ વડે હુમલો કરી પૈસા નહીં આપ તો સોલાર પ્લાન્ટ નહીં ચલાવવા દઇએ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને શખ્સો દ્વારા લગાડેલી આગમાં રૂા. 3,88,042નો સામાન સળગી જતાં નુકશાન થયાનો અંદાજ છે. આ અંગે યુવાન દ્વારા કરાયેલી જાણના આધારે પીઆઇ પી. જી. પનારા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


