જામનગર શહેરના જલાની જાર વિસ્તારમાં થતી પ્રાચીન ગરબીમાં આશરે 322 વર્ષથી ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે આ વર્ષે પણ સોમવારના રાત્રિના ઈશ્વર વિવાહ રમાયા હતા. જેનો લાભ અનેક શ્રદ્ધાળુ અને ભાવિકોએ લીધો હતો.
છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં જલાની જાર ગરબી મંડળ દ્વારા દેવીદાસ કૃત રચતિયા ઈશ્વર વિવાહ રમાય છે. વર્ષો જૂની આ પરંપરાને આજના ડીજીટલ યુગમાં પણ આધુનિકતાનો સ્પર્શ થવા પામ્યો નથી. આ ઈશ્વર વિવાહ માત્ર પુરૂષો દ્વારા જ રમવામાં આવે છે. તેની અન્ય વિશેષતા એ છે કે, તેમાં કોઇ જાતના લાઉડ સ્પીકર, માઇક કે સંગીતના વાજિંત્રો વગર માત્ર પરંપરાગત રીતે લાલ, પીળા અને કેસરી અબોટીયા પહેરીને રમવામાં આવે છે. ઉપરાંત એકપણ ક્ષણના વિરામ વગર અવિરત સાડા ત્રણ કલાક સુધી સ્વકંઠે ગાવામાં અને રમવામાં આવે છે. વરસોથી યોજાતા ઈશ્વર વિવાહ જોવા માટે જામનગર અને ગુજરાત તથા દેશભરમાંથી ભકતો ઉમટી પડે છે. સ્વકંઠે ગવાતા ઈશ્વર વિવાહ માણીને સાક્ષાત કૈલાસની અનુભૂતિ થાય છે. આ જલાની જારની ગરબી 322 વર્ષ જૂની છે તેમજ આજના ડિઝિટલ યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવામાં સફળ રહી છે.
View this post on Instagram
વિક્રમ સંવત 2081 આસો સુદ સાતમના તા. 29-09-2025 ને સોમવારના રાત્રિના સાડા બાર કલાકે કવિ દેવીદાસ કૃત ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશ્વર વિવાહ નિહાળવા આવતા ઉત્સુક શ્રોતાજનો આ ઈશ્વર વિવાહનો સાર સમજી શકે તે માટે એક-એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ ઈશ્વર વિવાહ જોવા કે ગાવા એ એક અવિસ્મરણીય લ્હાવો છે. તેમજ આ ઈશ્વર વિવાહની ગિનિશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ નોંધ લેવામાં આવી છે. પરંપરાગત રીતે સ્વકંઠે ગવાતા ઈશ્વરવિવાહ ઘોંઘાટભર્યા વાતાવરણથી આ ગરબીને દૂર રાખે છે.


