જામનગર તાલુકાના ગોરધનપર ગામના લહેર તળાવમાં ગઇકાલે બપોરના સમયે યુવકે ઝંપલાવ્યાની જાણના આધારે ફાયર ટીમએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ગોરધનપર ગામ નજીક આવેલા લહેર તળાવમાં યુવકે ઝંપલાવ્યાની નાઘેડીના સરપંચ સુરેશભાઇ બાંભણિયા દ્વારા કરાયેલી જાણના આધારે જામનગરની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. બપોરના સમયે ફાયર ટીમએ તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢયો હતો. ત્યારબાદ પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવતા મૃતક જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો નાગજીભાઇ હમીરભાઇ નંદાણિયા (ઉ.વ.22) નામના હોવાનું અને મૃતક તેના ઘરેથી ચાલ્યા ગયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવકનો પત્તો સાંપડયો ન હતો. ત્યારબાદ તળાવમાંથી મૃતદેહ મળી આવતાં પરિવાર હતપ્રત થઇ ગયો હતો. પોલીસે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેની તપાસ હાથ ધરી હતી.


