જામનગરથી સાત કિલોમીટર દૂર બાયપાસ નજીક ઠેબા ચોકડી પાસે ગઇકાલે સાંજના સમયે પુરપાટ આવી રહેલા ટ્રકએ બૂલેટને પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં પીજીવીસીએલમાં ફરજ બજાવતા યુવાનનું મોત નિપજયું હતું. જ્યારે ચાલક સાળાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલી ટોડા સોસાયટીમાં રહેતા ભાર્ગવભાઇ જયસુખભાઇ સોલંકી (ઉ.વ. 23) નામનો વિદ્યાર્થી ગઇકાલે જામનગર આરટીઓ કચેરીમાં કામ હોવાથી તેના પીજીવીસીએલમાં ફરજ બજાવતા બનેવી જયદીપભાઇ માધુભાઇ શુકલા (ઉ.વ.25) સાથે તેના જીજે10-ઇએફ-1699 નંબરના બૂલેટ પર આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પરત કાલાવડ જતા હતા ત્યારે ઠેબા ચોકડી નજીક આવેલા પાવર હાઉસના ગેટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે10-ટીએક્સ-9644 નંબરના ટ્રકચાલકએ સાળા-બનેવીના બૂલેટને પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બૂલેટચાલક ભાર્ગવભાઇને પગમાં અને શરીરે ઇજા પહોંચી હતી. તેમજ પાછળ બેસેલા તેના બનેવી જયદીપભાઇને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ સાળા-બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન જયદીપભાઇ માધુભાઇ શુક્લ નામના યુવાનનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. વધુમાં મળતી વિગત મુજબ મૃતક જયદીપભાઇના લગ્ન આગામી નવેમ્બર માસમાં થનાર હતા અને લગ્નના બે માસ પૂર્વે જ યુવાનનું મોત નિપજતાં બન્ને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતના બનાવ અંગેની જાણ કરાતા એએસઆઇ ડી. જી. ઝાલા તથા સ્ટાફએ હોસ્પિટલ દોડી જઇ અકસ્માતમાં ઘવાયેલા ભાર્ગવભાઇના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


