વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે જામનગરને વિકાસકામોની ભેટ મળવા જઇ રહી છે. હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે ઓવરબ્રિજ તથા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. તથા નવું આધુનિક સુવિધાસભર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ-તથા જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગના કામનું ઇ-ખાતમુર્હુત કરવામાં આવશે. ભૂજિયા કોઠાના લોકાર્પણને લઇ ભૂજિયા કોઠાને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે તિરંગાની રોશનીથી ભૂજિયા કોઠા ઝળહળી ઉઠયો હતો.
જામનગર શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ભુજિયા કોઠાનું લાંબા સમયથી ચાલતું રીનોવેશન હવે પૂર્ણ થયું છે. જેનું આવતીકાલે ઇ-લોકાર્પણ કરવામાં આવશે.આવતી કાલથી સામાન્ય લોકો આ સ્થળની મુલાકાત લઈ શકશે.
1839 થી 1852 દરમિયાન નિર્માણ થયેલો ભુજિયા કોઠો ગુજરાતના સૌથી ઊંચા કોઠામાં ગણાય છે, જે આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. ગોળ પ્લિન્થ પર બનેલો આ કોઠો રાજાશાહી સમયમાં શસ્ત્રાગાર તરીકે ઉપયોગમાં લેવાતો હતો. 1965માં રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા તેને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.
2001ના ભૂકંપથી આ કોઠાને મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ 2012માં જામનગર મહાનગર પાલિકાએ રાજ્યના પુરાતત્વ વિભાગ સાથે એમઓયુ કરીને આ સ્મારકોના પુન:રોધ્ધારનું બીડું ઝડપ્યું હતું. 2013માં ભુજિયા કોઠાનો ડીપીઆર તૈયાર થયો અને 2019માં રાજ્ય સરકારે આ કામગીરીને મંજૂરી આપી. જુલાઈ 2020માં રીનોવેશનનું કામ શરૂ થયું હતું, જે હવે પૂર્ણ થયું છે. કુલ 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટથી મહાનગર પાલિકાએ આ કામગીરી પૂર્ણ કરી છે.
આ ઉપરાંત આવતીકાલે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એલ.સી. નં-188 પરના રેલવે ઓવરબ્રિજને જનતા માટે સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આશરે રૂ. 46.88 કરોડના ખર્ચે બનેલો આ રેલવે ઓવરબ્રિજ ‘સિંગલ એન્ટ્રી બ્રિજ પ્રકાર’નો છે. જેમાં રેલવે પોશન રૂ. 3.52 કરોડ તથા પ્રોજેક્ટ કાસ્ટ રૂ. 43.36 કરોડનો સમાવેશ થાય છે. આ રેલવે ઓવરબ્રિજની કુલ લંબાઈ 933.66 મીટર છે, જેમાં રેલવે પોશન 111.48 મીટર અને એપ્રોચ પોશન 822.18 મીટરનો સમાવેશ થાય છે. બ્રિજની પહોળાઈ 16.60 મીટર (દસ મીટર કેરેજ-વે) છે તથા કુલ ક્લીયર હાઇટ 7.54 મીટર છે. આ પુલ કાર્યરત થતા હાપા માર્કેટિંગ યાર્ડ તથા આજુબાજુના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓનો કાયમી ઉકેલ મળશે. અહીંથી પસાર થનારા વાહનચાલકોને રેલવે ફાટક પર ઊભા રહેવાની જરૂર નહીં રહે, તેઓ અવર બ્રિજ પરથી સરળતાથી પસાર થઈ સમય બચાવી શકશે.
જામનગર શહેરમાં રમતગમતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાસભર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખંભાળીયા રોડ પર, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નંબર-2, અંતિમ ખંડ નંબર-88 વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. જેનું પણ આવતીકાલે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 42.50 કરોડ છે, જ્યારે કુલ એસ્ટીમેટેડ ખર્ચ રૂ. 41.99 કરોડ છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 2,94,643 ચો.ફુટ જેટલો વિશાળ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. શહેરના મધ્યમાં વિકસાવવામાં આવતો આ કોમ્પ્લેક્સ ઇન્ડોર તથા આઉટડોર બંને પ્રકારની રમતો માટે સુવિધાઓથી સજ્જ બનશે.
અહીં ઇન્ડોર ગેમ્સ માટે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, સ્ક્વેશ, કેરમ, ચેસ અને ટેબલ ટેનિસ જેવી રમતોની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ જીમ્નેશિયમ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, મીડિયા ગેલેરી, ફૂડ કોર્ટ અને દર્શકો માટે આરામદાયક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ આઉટડોર રમતો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રેક્ટિસ પિચ, ફુટબોલ ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે, જેથી ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવી શકે.
વડાપ્રધાનના હસ્તે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કેમ્પસનું જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે, તેની જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ નિર્માણ પામશે.
રૂ.525.10 કરોડના ખર્ચે 1,47,617 ચોરસ મીટરમાં તૈયાર થનાર 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અદ્યતન ઓપેરશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ,મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે. 40 મોડ્યુલર ઓપરેશન થિયેટર જેમકે ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, સેન્ટ્રલ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ, LAN, IT સિસ્ટમ્સ, CCTV સર્વેલન્સ વગેરે જેવી અદ્યતન ટેકનોલોજી સાથે, “લક્ષ્ય” અને NABH- National Accreditation Board for Hospitals Healthcare Providers ના ધોરણોના પાલન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.


