જામનગરમાં આગામી તા.21ના રોજ ટાઉનહોલ ખાતે બાળ શ્રાવક શતાવધન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં બાળકો 100 અવધન યાદશકિત વડે રજૂ કરશે આ અંગે રવિવારે યોજાયેલ પત્રકાર પરીષદમાં મહારાજ સાહેબોએ માહિતી પત્રકારોને આપી હતી.
જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બાળ શ્રાવક શતાવધનનું આયોજન કરવામાં આવ્યું છે. મુની ભગવંતો શતાવધન કરી ચૂકયા છે ત્યારે જામનગરમાં શ્રી સંઘના બાળકો શતાવધન કરવા જઇ રહ્યા છે. આ શતાવધન પ્રયોગમાં 100 અવધાન લખવામાં આવશે. જે બાળકો પોતાની યાદશકિત વડે આ તમામ અવધાનો કાગળ વિના મોઢે બોલશે જેમાં 0 થી 100 સુધીના ક્રમમાં, 100 થી 0 સુધીના ક્રમમાં તેમજ વચ્ચેના કોઇપણ નંબર પુછવામાં આવે તો તેની માહિતી આપશે અને માહિતી પુછવામાં આવે તો તેના નંબર પણ આપી દેશે આ માટે જામનગરમાં 165 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી તાલીમ પુર્ણ કરનાર અને સિલેકટ થયેલ 4 જેટલા તાલીમાર્થીઓ આગામી તા.21ના ટાઉન હોલ ખાતે કાર્યક્રમ રજૂ કરશે. તથા અન્ય 9 જેટલા તાલીમાર્થીઓ રનરઅપ રહ્યા હતાં.
તા.21 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી ટાઉનહોલ ખાતે મોદી સ્કૂલ જામનગરના સૌજન્યથી યશોભારતી સંસ્કાર શાળા જૈન દર્શન ઉપાસકસંઘ (પેલેસ)જામનગર દ્વારા આ કાર્યક્રમ યોજાશે. જે બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિન-હેમચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શતાવધાન શિક્ષાદાતા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આદિ ઠાણાંની નિશ્રામાં કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે રવિવારે પેલેસ દેરાસર ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.
જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જિન – હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય શતાવધાન શિક્ષા દાતા પંન્યાસ પ્રવર શ્રી તારકચંદ્ર સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિશ્રી અર્હમચંદ્રસાગરજી મહારાજસાહેબે જરૂરી માહિતી પૂરી પાડી હતી.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારતા અને તેને ધર્મ તરફ જાગૃત કરતા આ શતાવધાન કાર્યક્રમ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં આગેવાનો ડો. અમિતભાઈ મ્હેતા , મહેશભાઈ મ્હેતા, ચાર્ટર એકાઉન્ટ ભાવિન શાહ, રાજીવ શેઠ, હેમુભાઈ સુતરીયા, બીમલભાઈ વોરા અમિતભાઈ શાહ , ઋષિભાઈ, મોદી સ્કૂલ ના આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


