ગણેશ ચતુર્થીના પાવન અવસર પર દેશભરમાં અનેક જગ્યાએ ગણપતિની સ્થાપના થાય છે અને બાદમાં ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરમાં એકાદ-બે મૂર્તિઓ સ્થાપે છે પરંતુ જામનગરના એક ભક્તએ પોતાના ઘરે ભગવાન ગણેશજીનું અનોખું કલેકશન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં એક જ જગ્યાએ 5 હજારથી વધુ ગણેશજીના સ્વરૂપો જોવા મળે છે.
જામનગરના દિલીપ ધ્રુવ બાળપણથી જ ગણેશજીના ભક્ત છે. તેમણે છેલ્લા 40 વર્ષમાં અલગ-અલગ શહેરો અને સ્થળોથી ગણેશજીના વિવિધ સ્વરૂપો એકત્રિત કર્યા છે. હાલમાં તેમની પાસે આશરે 5000થી વધુ કૃતિઓનું કલેકશન છે. જેમાં સમાવેશ થાય છે.
800થી વધુ ગણેશજીની મૂર્તિઓ, 1500 જેટલા ફોટોગ્રાફ્સ, 250 વુડન ફ્રેમ્સ, 200થી વધુ કિચન આઈટમ્સ તેમજ અનેક વસ્તુઓમાં દર્શાવાતા ગણેશજીના સ્વરૂપો.
આ રીતે દિલીપ ધ્રુવે કુલ 5000થી વધુ ગણેશજીના સ્વરૂપોનું વિશાળ કલેકશન કર્યું છે.
ગણેશજીના એક સાથે અનેક સ્વરૂપો જોવા માટે લોકો દિલીપ ધ્રુવના ઘરે આવે છે. અહીં તેઓ ગણેશજીના અનોખા રૂપોનું દર્શન કરી આનંદ અનુભવે છે અને તેની સાથે સંકળાયેલી માહિતી પણ મેળવે છે. આ કલેકશન સૌ માટે એક અનોખો આધ્યાત્મિક અનુભવ બની રહ્યો છે.


