જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીમાં ગાંધીધામ કચ્છથી બે ટ્રાન્સપોર્ટ કંપનીમાં જુદા જુદા 6 ટેલરમાં મોકલાવેલા સળિયા અમુક સળિયા રસ્તામાં કાઢી લઇ છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે છ ટેલરચાલક અને વે બ્રીજ ઓપરેટર સહિત સાત શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ કચ્છમાં આવેલી સાઇ ટ્રાન્સપોર્ટ તથા સાઇ લોજેસ્ટીક નામની બે ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા ટેલર નંબર જીજે12-એઝેડ-5666 ડ્રાઇવર કંવરરામ જોધારામ (રાજસ્થાન), જીજે12-એઝેડ-9317 ડ્રાઇવર ડાલુરામ નગારામ (રાજસ્થાન), જીજે12-એઝેડ-1353 ડ્રાઇવર ધનારામ પીરારામ (રાજસ્થાન), જીજે12-એઝેડ-9617 ડ્રાઇવર જગદિશ આસુરામ (રાજસ્થાન), જીજે12-બીએક્સ-2785 ડ્રાઇવર જોગારામ ઉગારામ (રાજસ્થાન) અને જીજે12-બીટી-4808 ડ્રાઇવર પ્રકાશ ધર્મારામ (રાજસ્થાન) નામના જુદા જુદા 6 ટેલરોમાં 1,93,870 કિગ્રા વજનના લોખંડના સળિયા ભરીને મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીના એનવાય-8 યાર્ડમાં ખાલી કરવા માટે મોકલ્યા હતા. પરંતુ આ તમામ ટેલરના ડ્રાઇવરોએ ટેલરમાં 1,93,870 કિગ્રા લોખંડના સળિયાને બદલે 1,71,580 કિગ્રા લોખંડના સળિયા કંપનીમાં પહોંચાડયા હતા. વચ્ચેથી કુલ રૂા. 10 લાખની કિંમતના 22,209 કિગ્રા લોખંડના સળિયા ઓછા પહોંચાડયા હતા.
આ 6 ટેલરના ડ્રાઇવરોએ ખાનગી કંપનીની અંદર આવેલા કિશોરસિંહ ભૂપતસિંહ જાડેજા નામના વેબ્રીજ ઓપરેટર ચાલક સાથે મળીને પૂર્વયોજિત કાવતરું રચી કંપનીમાં મોકલેલા લોખંડના સળિયા રસ્તામાં કોઇપણ સ્થળે કાઢી બે ટેલરમાં ઓછો માલ હોવાનું જણાવી આ બે ટેલરોના કાંટા ખોટી રીતે કરાવી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે નબાકિશોર રામચંદ્ર મિશ્રા દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં સાત શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ સાત શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


