રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં રમતગમત અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ઘર ઘર સુધી સ્પોર્ટ્સ” તેમજ “સન્ડે ઓન સાઇકલ”ના સંદેશા સાથે યોજાયેલી આ રેલીમાં જામનગર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સાઈકલ રેલીનો પ્રારંભ રણમલ તળાવના ગેટ નંબર 01 થી થયો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે જંગલેશ્વર મંદિર રોડ, એસ.ટી. રોડ, સાત રસ્તા, શરુ સેક્શન રોડ, અને પંચવટી સર્કલ પરથી પસાર થઈ હતી. ત્યારબાદ પી.એન. માર્ગ, જી.જી. હોસ્પિટલ, ગુરુ દ્વારા ચોકડી અને લાલ બંગલો સર્કલ થઈને ઉંખઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચી હતી. અને પુન: રણમલ તળાવના ગેટ નંબર 01 ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે ના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના દરેક નાગરિક ખેલકૂદની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે પ્રકારનું આયોજન કરાયું છે.જે અંતર્ગત સાઇક્લોથલ 2025 ની આઠ કિલોમીટરની સાઇકલ રેલીનું મહાનગરપાલિકા કક્ષાએ આયોજન કરાયું છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે ફીટ ઇન્ડિયા મુવમેન્ટના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જરૂર ન હોય તો વાહનોનો ઉપયોગ ટાળવા તેમજ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા આ સાથે સાંસદએ આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહીને રેલીને પ્રોત્સાહિત કરી હતી.જેમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને દંડક કેતન નાખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


