જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં પાર્ક કરેલા એક્સેસ પર કલરના છાંટા બાબતે કહેવા જતાં ત્રણ શખ્સોએ એકસંપ કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ યુવાનના ઘરે જઇ જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર પાંચમા આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં બિપીનભાઇ કાનજીભાઇ બાબરિયા (ઉ.વ. 39) નામના યુવાનએ તેના એપાર્ટમેન્ટના ગેટ પાસે, રોડની બાજુમાં તેનું એક્સેસ બાઇક પાર્ક કર્યું હતું. બહાર જવાનું હોવાથી બાઇક પાસે જતાં સફેદ કલરના છાંટા ઉડયા હતાં. બાજુમાં પુંઠાનું બોક્સ પડયું હતું. જેથી યુવાને કલરના દુકાનદારને આ બાબતે કહેવા જતાં સમીર અશરફ હોલેપાત્રા અને સૈફુદીન આબિદ વ્હોરા નામના બે શખ્સોએ યુવાન સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રિના સમયે સમીર, સૈફુદીન અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ ઘરે આવીને દરવાજો ખખડાવી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. યુવાનના નાનાભાઇ સાથે પણ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.
આ બનાવ અંગેની બિપીનભાઇ દ્વારા જાણ કરાતા એસસી-એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા ત્રણ શખ્સો સામે એટ્રોસિટી અને ધમકીની ફરિયાદ નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


