દેશના ઘણાં રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે પહાડી વિસ્તારોમાં પાણી નીચે આવીને બધુ ધોવાઈ રહ્યું છે તો મેદાની વિસ્તારમાં નદીઓ ઉભરાઇ રહી છે. કયાંક પુરની સ્થિતિ થઈ રહી છે તો કયાંક જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરો ડુબી રહ્યા છે. રસ્તાઓ બંધ થઈ રહ્યા છે ત્યારે કઠુઆમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. તો હિમાચલમાં ભુસ્ખલનના કારણે વિનાશ સર્જાયો છે. પર્વતો તુટી પડતા રસ્તાઓ પર કાટમાળ જોવા મળી રહ્યો છે. તો વાદળ ફાટવાથી ઘણાં વિસ્તારો પુરની ઝપેટમાં આવી રહ્યા છે. ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. હર્ષિલમાં વરસાદના કારણે તીલગઢ નદી છલકાતા બજાર અને ગામ ખાલી કરાવામાં આવ્યું છે.

પંજાબના કેટલાંક ભાગો પણ વરસાદના પગલે પુરની ઝપેટમાં આવી રહ્યા છે. પઠાણકોટ સહિતના વિસ્તારોમાં વિવિધ સ્થળો પર નદીઓ ઉભરાઇ રહી છે. લોકોના જીવ જોખમમાં છે. રાજસ્થાનમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે રાજ્ય સરકારના આપતિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આ ચોમાસામાં અત્યાર સુધીમાં 91 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 51 લોકો ઘાયલ થયા છે. જ્યારે 40 ઘરો ધરાશાયી થયા છે. 51 પ્રાણીઓના મૃત્યુ થયા છે. ગઈકાલે ઉદયપુરના એક ગામમાં ચાર બાળકો ડુબી ગયા હતાં. ઝાલાવાડ, નાગૌર, ડિડવાણા, સુલતાનપુર સહિતના વિસ્તારોમાં કહેર જામ્યો છે. રાજસ્થાનમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર સવાઈ માધોપુરમાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ, ઘરો, હોસ્પિટલો, દુકાનો, શાળાઓ પાણીમાં ડુબી ગયું.

ગુજરાતના નવસારીમાં ઉપરવાસમાં વરસાદને કારણે મીંઢોળા નદીનું પાણીનું સ્તર અચાનક વધી જતા લોકો પુરમાં ફસાયા, 24 કલાકથી ગુમ થયેલી વ્યક્તિની શોધખોળ માટે બચાવ કામગીરી હાથ ધરાઇ હતી અને ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતાં. જ્યારે મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોઅર પરેલ, ગાંધી માર્કેટ સહિત ઘણાં વિસ્તારો પાણીમાં ડુબી ગયા છે. ત્યારે સતત વરસાદને પગલે ટ્રાફિક પણ પ્રભાવિત થઈ રહ્યો છે. જ્યારે ફલાઈટ કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.


