છેલ્લા ત્રણ દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસતા વરસાદી માહોલને કારણે વીજળી સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગર PGVCL કચેરીના જણાવ્યા અનુસાર માત્ર ત્રણ દિવસમાં 60થી વધુ વીજળી સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. બંને જિલ્લામાં મળી કુલ 100 જેટલી ટીમો અને 200 જેટલા કર્મચારીઓને તાત્કાલિક વીજફોલ્ટ નિવારણ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે હાલારમાં સામાન્ય છાંટા પડે તો પણ લાઇટ જતી રહે છે અને તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી નામે લાખોનો ખર્ચ કરવામાં આવે છે.
પીજીવીસીએલ દ્વારા 500 જેટલા વીજ થાંભલા (પોલ) સહિતના જરૂરી સાધનો સાથે વીજળીની ટીમોને સજ્જ રાખવામાં આવી છે. જેથી વરસાદી માહોલમાં થતા તાત્કાલિક વિઘ્નોને દૂર કરી શકાય. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 80 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. જેના કારણે PGVCLને અંદાજે રૂ. 6 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું છે. ગૌણ બાબત એ છે કે, પ્રી-મોન્સૂન કામગીરીના નામે શહેરમાં ઘણીવાર વીજ કાપો લાદવામાં આવ્યા હતા, છતાં પણ વરસાદી ઝાપટા પડતા જ અનેક વિસ્તારોમાં લાઇટ જતી રહે છે અને ત્યારે લાઇટકાપથી પરેશાન પ્રજાજનો આ ફરિયાદ માટે પીજીવીસીએલની કચેરીમાં ફરિયાદ નોંધાવવા વારંવાર ફોન કરે છે પરંતુ તંત્રના કર્મચારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. તેમજ જામનગર શહેરના અમુક વિસ્તારોમાં વીજપોલ ઉપર ઝાડની ડાળીઓ પથરાયેલી જોવા મળે છે. કેમ કે, જો પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો, વીજપોલ ઉપર આ રીતે ઝાડની ડાળીઓ કયારેય જોવા ન મળે. જેના કારણે શહેરીજનો પરેશાન થયા છે અને તંત્રની કામગીરી અંગે પ્રશ્ર્નો ઊભા થયા છે.
તંત્ર દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, જો વીજળી સંબંધિત કોઈ સમસ્યા કે ફોલ્ટ થાય તો તેઓ ટોલ ફ્રી નંબર 19122 પર કોલ કરી શકે છે અથવા તો 95120 19122 પર વોટ્સએપ દ્વારા પોતાના ગ્રાહક નંબર સાથે વિગતો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે. વરસાદી માહોલમાં વીજળીમાં ખામી થવા પાછળના મુખ્ય કારણોમાં વૃક્ષોની ડાળીઓ તૂટી પડવી, થાંભલાઓ ધરાશાયી થવા, વાયર કાપા તથા મેઇન લાઇનમાં પાણી પ્રવેશી જવું જેવા મુદ્દાઓ સામેલ છે. PGVCL તંત્રનો દાવો છે કે, મહાનગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી પુરવઠો અવિરત રાખવા માટે તંત્ર કટિબદ્ધતાથી કામગીરી કરી રહ્યું છે.


