જામનગર શહેરના ઇન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધા ઘરમાં 15 દિવસથી રિસામણે બેસેલી પોતાના કપડાં લેવા આવેલી પુત્રવધૂ અને ત્રણ મહિલા સહિતની ચાર મહિલાઓએ વૃદ્ધાને ગાળો કાઢી, વાળ પકડી ઢસડીને માર મારી, છુટુ કરી દેવા માટે પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પુત્રવધૂ સહિતની ચાર મહિલાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા કોલોની શેરી નંબર 10-બીમાં રહેતાં ભારતીબેન બાવચંદભાઇ વઢવાણી (ઉ.વ.65) નામના વૃદ્ધા ગત્ તા. 12ના રોજ સાંજના સમયે તેમના ઘરે હતા ત્યારે પંદર દિવસથી રિસામણે બેસેલી તેમની પુત્રવધૂ પાયલબેન ધર્મેશભાઇ વઢવાણી નામની મહિલા તેણીના કપડાં લેવા માટે ભગવતીબેન, ભૂમિબેન અને ગીતાબેન સાથે સાસરે આવી હતી. જ્યાં પાયલબેનએ તેના સાસુ ભારતીબેનને કહ્યું કે, “મારે છુટુ જોઇએ છે.” જેથી વૃધ્ધ સાસુએ ના પાડતાં પુત્રવધૂ પાયલબેન તથા ત્રણ મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી સાસુને ફડાકો માર્યો હતો. તેમજ મુંઢ માર માર્યો હતો. માતાને માર મારતા છોડાવવા વચ્ચે પડેલા ધર્મેશભાઇ ઉપર તેની પત્ની સહિતની મહિલાઓએ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. સાસુ ભારતીબેનને ગાળો કાઢી, “છુટું કરી દેજો, નહીંતર મારી નાખશું.” તેવી ધમકી આપી ચારેય મહિલાઓએ વૃદ્ધ સાસુને વાળ ખેંચી ઢસડયા હતા. આ બનાવ અંગે ભારતીબેનએ તેની પુત્રવધૂ પાયલબેન સહિતની ચાર મહિલાઓ વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


