જામનગરના નાગરિકને ડિજિટલ એરેસ્ટ કરી ગુનેગારોએ રૂા. 26.90 લાખની રકમ ડિઝિટલ ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. આ ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનના જોધપુરમાંથી શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં થોડા સમય પહેલાં ડિજિટલ છેતરપીંડીના બનાવમાં એક સ્થાનિક નાગરિકને નિશાન બનાવી સાયબર ગુનેગારો દ્વારા 26 લાખ 90 હજાર રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ. એ. ધાસુરા, હે.કો. પ્રણવભાઇ વશરા, રાજેશભાઇ કરમુર, પો.કો. વિકકીભાઇ ઝાલા સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની માહિતીના આધારે રાજસ્થાનના જોધપુર જિલ્લાના ટીંવરી ગામમાં રહેતા રાજુરામ સોહનરામ ગેહલોત (ઉ.વ.32) નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ ગુનાહિત કાવતરું રચીને વોટસએપના માધ્યમથી ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો. ફરિયાદીને કહેવામાં આવ્યું કે, ‘તમારા નામે કુરિયર દ્વારા મોકલાયેલ પાર્સલમાંથી 140 ગ્રામ એમડીએમએ (MDMA) નામનું પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યું છે અને આ બાબતે તમારા વિરુદ્ધ ગુનો નોંધાશે.’ તેઓ ભય બતાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને સ્કાઈપ એપ્લિકેશન પર વીડિયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યો હતો. વીડિયોકોલ દરમિયાન ફરિયાદીને માનસિક રીતે દબાણમાં રાખી, ડરાવી-ધમકાવીને, અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 26 લાખ 90 હજાર રૂપિયા જમા કરાવવા મજબૂર કર્યો હતો. બાદમાં આ રકમ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
જામનગર શહેર પોલીસના સાયબર સેલને ટેકનિકલ તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે રાજસ્થાનના જોધપુરમાંથી આરોપી રાજુરામ સોહનરામ ગેહલોતને ઝડપીને વધુ પુછપરછ શરૂ કરી છે. સમગ્ર કેસમાં પોલીસને ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? અન્ય સાથે આ પ્રકારે કોઈ છેતરપીંડી કરી છે કેમ? આરોપી પર અન્ય કોઈ ગુના નોંધાયેલ છે કેમ? વગેરે સવાલોનો જવાબ મેળવવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે વધુ તપાસ ચાલુ છે. સાથે જ નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા કોલ, મેસેજ અથવા વીડિયોકોલ પર ભરોસો કરીકોઈપણ પ્રકારની રકમ ટ્રાન્સફર ન કરે અને શંકાસ્પદ ઘટનાની તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર જાણ કરે.


